તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રૂપવાડા ગામમાં મોડી રાત્રે એક દીપડો રસ્તા પર આંટાફેરા કરતો નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાનો વીડિયો કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે. વાહનચાલકે મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો
રૂપવાડા ગામના મુખ્ય રસ્તા પરથી રાત્રિના સમયે પસાર થઈ રહેલા વાહનચાલકને અચાનક સામે દીપડો દેખાયો હતો. શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર નજીક આવી પહોંચેલા આ હિંસક પ્રાણીને જોઈને વાહનચાલક ક્ષણભર માટે ચોંકી ગયો હતો. તેણે હિંમત દાખવીને તુરંત જ દીપડાની ચાલકદમીનો વીડિયો પોતાના કેમેરામાં ઉતારી લીધો હતો.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભય
ગામના રસ્તાઓ પર દીપડાની મુક્તપણે અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરે જતા ખેડૂતો અને માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ ઘટના બાદ ગામના લોકોમાં ફાળ પડી છે. વનવિભાગે સ્થળ પર પાંજરું ગોઠવ્યું
ગામમાં દીપડો દેખાયાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વનવિભાગને કરવામાં આવી હતી. વનકર્મીઓની ટીમે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને વનવિભાગે દીપડાને ઝડપથી પકડી પાડવા માટે વિસ્તારમાં પાંજરું ગોઠવી દીધું છે. રાત્રિના સમયે સાવચેત રહેવા અપીલ
દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી વનવિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેતી રાખવા સૂચના આપી છે. વનકર્મીઓએ લોકોને રાત્રે એકલા બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતીના પગલાં ભરવા વિનંતી કરી છે. પાંજરું ગોઠવાતાં જ ગ્રામજનોએ વનવિભાગની કામગીરીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો છે.
વાલોડના રૂપવાડામાં મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ:વાહનચાલકે મોબાઈલમાં વીડિયો કંડારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો; ગ્રામજનોમાં ફફડાટ; વનવિભાગે પાંજરું ગોઠવ્યું
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
