વેરાવળ-પાટણ જોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ આંગણવાડી કેન્દ્રોની વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે અચાનક મુલાકાત લીધી હતી. કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વિના લેવાયેલી આ મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડીઓમાં બાળકો માટેની સુવિધાઓ અને પોષણ સંબંધિત કામગીરીનું સ્થળ તપાસ કર્યું હતું. પ્રમુખે તમામ વ્યવસ્થાઓની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સુધારાઓ કરવા અને પ્રશ્નોના નિરાકરણ લાવવા તંત્રને તાકીદ કરી હતી. પોષણ અને ભોજનની ગુણવત્તા તપાસાઈ
પાલિકા પ્રમુખ નરેશ ગોહેલે આંગણવાડીના બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તાની ગુણવત્તા જાતે ચકાસી હતી. બાળકોને નિયમિતપણે પૂરતું પોષણ મળે છે કે નહીં અને રોજિંદી કામગીરીનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે નહીં તે અંગે તેમણે રૂબરૂ જાણકારી મેળવી હતી.
જર્જરિત બિલ્ડિંગો અંગે રજૂઆત કરાશે
મુલાકાત દરમિયાન કેટલીક આંગણવાડી ભવનની સ્થિતિ અને ભૌતિક સુવિધાઓને લગતી ગંભીર સમસ્યાઓ સામે આવી હતી. બિલ્ડિંગની હાલત સુધારવા તેમજ ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે ICDS વિભાગ અને સંબંધિત અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધીને જરૂરી રજૂઆતો કરવામાં આવશે.
નવી આંગણવાડીઓ માટે જગ્યાની શોધ
વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં નવી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. જે વિસ્તારોમાં હાલ આંગણવાડી નથી અથવા વધુ એક બાળકેન્દ્રની જરૂર છે, ત્યાં યોગ્ય પ્લોટ અને સરકારી જગ્યાઓ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આંગણવાડી સાથે ગાર્ડન અને લાઈબ્રેરી
નગરપાલિકા દ્વારા નવી આંગણવાડીઓની સાથે બાળવિકાસ માટેની વધારાની સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે. શક્ય હોય તેવા સ્થળોએ આંગણવાડી કેન્દ્રની સાથે નાનું ગાર્ડન અને બાળકો માટે વાંચનાલય (લાઈબ્રેરી) પણ ઊભું કરવાનું ખાસ આયોજન વિચારાઈ રહ્યું છે. સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે કવાયત
અચાનક લેવાયેલી આ મુલાકાત બાદ હવે આંગણવાડીઓની ભૌતિક સ્થિતિ, ખૂટતી સુવિધાઓ અને નવા વિસ્તારોની જરૂરિયાત અંગે તંત્ર સાથે તાલમેલ સાધવામાં આવશે. પાલિકા પ્રમુખના આ પ્રવાસ બાદ સામે આવેલા પ્રશ્નોનો ઉકેલ કેટલા સમયમાં આવે છે તે જોવું મહત્વનું રહેશે.
વેરાવળ પાલિકા પ્રમુખે આંગણવાડીઓની લીધી સરપ્રાઈઝ વિઝિટ:બાળકોના ભોજન અને પોષણ વ્યવસ્થાની કરાઈ તપાસ; કેન્દ્રોની બિલ્ડિંગ સંબંધિત સમસ્યાઓ આવી સામે
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
