લખપત તાલુકાના પીપર ગામમાં એક પરિવારમાં નવજાત પુત્રનો જન્મ થયો હતો. જન્મના માત્ર ચાર દિવસ પછી જ બાળકની તબિયત બગડી. પરિવારજનોએ તરત જ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો અને બાળકને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. દયાપર CHCમાં ડૉ. શક્તિ અને ડૉ. નિખિલે નવજાતની તપાસ કરી. તપાસમાં બાળકને કમળાની ગંભીર અસર હોવાનું સામે આવ્યું. તેને વધુ સારી અને ખાસ સારવારની જરૂર હતી. ચાર દિવસના બાળકને સામાન્ય એમ્બ્યુલન્સને બદલે NICU સુવિધાવાળી એમ્બ્યુલન્સથી મોટી હોસ્પિટલ લઈ જવો જરૂરી હતો. આ પરિસ્થિતિને જોતા 108 સેવાનો સંપર્ક કરાયો. દયાપરની NICU એમ્બ્યુલન્સ ટીમ તરત જ સક્રિય થઈ. EMT અશ્વિન મકવાણા, EMT શ્યામ ઠક્કર અને પાયલોટ રમેશ ગરવા જરૂરી તબીબી સુવિધા સાથે બાળકને લઈને ભુજ જવા નીકળ્યા. દયાપરથી ભુજ સુધીની આશરે 110 કિલોમીટરની મુસાફરી દરમિયાન નવજાતની સ્થિતિ પર સતત ધ્યાન રાખવામાં આવ્યું. અમદાવાદ સ્થિત ERCP ડૉ. પટેલના માર્ગદર્શન હેઠળ બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યું. ઓક્સિજનની સુવિધા સાથે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પણ કાળજી લેવાઈ. સતત દેખરેખ અને સમયસરની તબીબી મદદને કારણે બાળકને સુરક્ષિત રીતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું. હોસ્પિટલમાં તપાસ પછી બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાતા પરિવારજનોએ રાહત અનુભવી. આ આખી કામગીરી બદલ પરિવારજનોએ 108 NICU ટીમનો આભાર માન્યો. ઘટનાની જાણ PM ભવરલાલ પ્રજાપતિ અને EME રાહુલ ગોરને થતા તેમણે પણ ટીમની ઝડપી કામગીરીના વખાણ કર્યા. અંતરિયાળ વિસ્તારમાંથી ગંભીર હાલતમાં રહેલા નવજાતને યોગ્ય તબીબી સુવિધા સુધી સમયસર પહોંચાડવામાં 108ની NICU સેવા ખૂબ મદદરૂપ થઈ.
108 NICU ટીમે 4 દિવસના નવજાતનો જીવ બચાવ્યો:દયાપરથી ભુજ 110 KM સફરમાં કમળાની ગંભીર અસરવાળા બાળકને સમયસર સારવાર મળી
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
