જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક સાવજની ભવ્ય એન્ટ્રી થતાં સમગ્ર શૈક્ષણિક પરિસરમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ચાલુ ક્લાસ દરમિયાન યુનિવર્સિટી પરિસરમાં સિંહ મુક્તપણે વિહરતો જોવા મળ્યો હતો. ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ બારીમાંથી સિંહના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
લોકોની અવરજવર વચ્ચે માણી મિજબાની
ચોંકાવનારી વાત એ છે કે વરસાદી વાતાવરણ વચ્ચે યુનિવર્સિટી કેમ્પસમાં લોકોની અવરજવર હોવા છતાં સિંહે જરાય ગભરાયા વિના પોતાના શિકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સિંહે પરિસરમાં જ એક પશુનો શિકાર કર્યો હતો અને લોકોની હાજરી વચ્ચે નિશ્ચિંત થઈને શિકારની મિજબાની માણી હતી. સામાન્ય રીતે વન્યજીવો માનવ વસવાટથી દૂર રહેતા હોય છે, પરંતુ જૂનાગઢ ગીર સોમનાથની નજીક અને જંગલ સીમા પાસે હોવાથી અવારનવાર સિંહો શહેરી અને કેમ્પસ વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દ્વારા શિકાર કરવાનો અને મિજબાની માણવાનો આ આખો નજારો વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે અને યુનિવર્સિટી કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
