Banaskantha News: બજારમાં બટાકાના પૂરતા ભાવ નહીં મળતાં ખેડૂતોને મોટું નુકસાન, જાણો શું માગ કરી?

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

ડીસામાં બટાકાના પોષણક્ષમ ભાવ અને સબસિડીની માંગણી સાથે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ વર્ષે મોંઘા ભાવના ખાતર,બિયારણ અને ખેતી પાછળ ભારે ખર્ચ કરીને ખેડૂતોએ બટાકાનું મબલખત ઉત્પાદન કર્યું હતું,પરંતુ બજારમાં પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભામાશા યોજના અને વિશેષ સહાય પેકેજ અંતર્ગત બટાકાના ખેડૂતોને પ્રતિ કિલોએ એક રૂપિયાની આર્થિક સહાય તેમજ સ્ટોરેજ ભાડામાં સહાય જાહેર કરવામાં આવી છે, તેવી જ રાહત ગુજરાતના ખેડૂતોને પણ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

ખેડૂતોને વાવેતરનો ખર્ચ પણ પોસાય તેમ નથી

ભાવ વધવાની અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ કે સબસિડી જાહેર કરવામાં આવશે તેવી આશાએ અનેક ખેડૂતોએ પોતાના બટાકાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કર્યો હતો.જોકે લાંબો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ સબસિડી જાહેર કરવામાં આવી નથી અને બજારમાં બટાકાના ભાવમાં પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી.હાલ સ્થિતિ એવી બની છે કે ખુલ્લા બજારમાં ખેડૂતોને બટાકાના માત્ર 4થી 6 રૂપિયા પ્રતિ કિલો જેટલો જ ભાવ મળી રહ્યો છે.આટલા ઓછા ભાવના કારણે જો ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા બહાર કાઢીને વેચવા જાય તો તેમને મળતી રકમમાંથી કોલ્ડ સ્ટોરેજનું ભાડું અને વહન ખર્ચ પણ પૂરો થઈ શકે તેમ નથી.

કિસાન સંઘના આગેવાનોએ રજૂઆત કરી

ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ,જો સરકાર દ્વારા પ્રતિ કિલોએ ઓછામાં ઓછા 12થી 15 રૂપિયા જેટલો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અથવા વિશેષ સહાય અપાય તો જ ખેતી પાછળ થયેલી મૂળ મૂડી અને મજૂરી ખર્ચ બહાર આવી શકે તેમ છે.આ ગંભીર આર્થિક સંકટ અંગે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી.જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે.ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તેમની આ ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીઓમાં તેના રાજકીય પરિણામો ભોગવવા પડશે.

આ પણ વાંચોઃ Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *