Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં ૩ વેપારીઓ દબોચાયા!

📅 Published: September 17, 2026 | 📂 Category: Crime

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ હરીનગર-1 સ્થિત અરિહંત કોમ્પ્લેક્ષમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બૂટ-ચંપલ વેચાઈ રહ્યા હોવાની બાતમી મળતાં CID ક્રાઇમ સુરત ઝોને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રખ્યાત ‘PUMA’ કંપનીના નામ અને લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી બનાવટી માલ વેચવામાં આવતો હોવાની પ્રાપ્ત ફરિયાદના આધારે CID ક્રાઇમની ટીમે 16 સપ્ટેમ્બરે અરિહંત કોમ્પ્લેક્ષની ‘શિવ ફૂટવેર’, ‘પ્રેમ ટ્રેડીંગ ફૂટવેર’ અને ‘સાગર ફૂટવેર’ નામની ત્રણ દુકાનો પર સરપ્રાઈઝ રાઉન્ડ પાડી દરોડા પાડ્યા હતા.

3 વેપારીઓ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો

દરોડા દરમિયાન ત્રણેય દુકાનોમાંથી મોટા પ્રમાણમાં પ્યુમા (PUMA) બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ, ચંપલ અને સ્લીપરનો જથ્થો મળી આવ્યો હતો. CID ક્રાઇમે સ્થળ પરથી કુલ રૂ. 12.72 લાખની કિંમતનો બનાવટી માલસામાન જપ્ત કર્યો છે. આ કેસમાં કૉપીરાઇટ એક્ટ 1957ની કલમ 63 હેઠળ ગુનો નોંધીને ત્રણેય દુકાનદારો ગજાનંદ માંડવ, પ્રશાંત અગ્રવાલ અને સાવલારામ ચૌધરીની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લિકેટ માલના નેટવર્ક અંગે CIDની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

ગ્રાહકો સાથે બ્રાન્ડેડ કંપનીના નામે થતી છેતરપિંડી રોકવા માટે સીઆઈડી ક્રાઇમે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ બૂટ-ચંપલનો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો અને આ કૌભાંડમાં અન્ય કયા કયા સપ્લાયરો કે વચેટિયાઓની સંડોવણી છે. સ્થાનિક વેપારી આલમમાં આ દરોડાથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Junagadhની નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની દબંગ એન્ટ્રી, ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓએ કર્યા સિંહ દર્શન Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *