બોટાદ જિલ્લાનો ગઢડા-ઉગામેડી-નિગાળા માર્ગ અત્યંત ખરાબ હાલતમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સમગ્ર રસ્તા પર ઠેર-ઠેરથી ડામર ઉખડી ગયો છે અને મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. બિસ્માર બનેલા આ માર્ગ પરથી પસાર થતી વખતે વાહનોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે તેમજ અકસ્માત થવાનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. અનેક ગામો માટે ગઢડા પહોંચવાનો મુખ્ય માર્ગ
આ મહત્વપૂર્ણ માર્ગ માત્ર ઉગામેડી અને નિગાળા પૂરતો સીમિત નથી, પરંતુ રોહિશાળા, કેરીયા, શિયાનગર, ઝીઝાવદર તથા પાટી-લુણઘરા સહિતના અનેક ગામોને ગઢડા અને ભાવનગર સાથે જોડે છે. આ વિસ્તારના નાગરિકો માટે ગઢડા તાલુકા મથકે આવવા-જવા માટે આ એકમાત્ર મુખ્ય રસ્તો છે.
દૈનિક અવરજવર અને ઈમરજન્સી સેવાઓ પ્રભાવિત
માર્ગ અત્યંત જર્જરિત બની જતાં ઈમરજન્સી તબીબી સેવાઓ કે રોજિંદા કામકાજ માટે ગઢડા જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડામર સંપૂર્ણપણે ગાયબ થઈ જતાં આ રસ્તા પરથી વાહન ચલાવવું અત્યંત જોખમી અને અકસ્માતને નોતરું આપનારું સાબિત થઈ રહ્યું છે.
વાહનોની પાયમાલી અને અકસ્માતનો ડર
સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ રસ્તાની બિસ્માર હાલતના કારણે વાહનોમાં અવારનવાર મોટી ભાંગતૂટ થાય છે. વર્ષોથી આ માર્ગનો ઉપયોગ કરતાં હજારો લોકો હવે આ દૈનિક પરેશાનીમાંથી કાયમી છુટકારો મેળવવા ઈચ્છી રહ્યા છે. તંત્ર સામે તાત્કાલિક નવા રોડની માંગણી
કોઈ મોટો અસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તે પહેલાં સંબંધિત સરકારી તંત્ર નિંદ્રામાંથી જાગે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ઉગામેડી ગામના સ્થાનિક આગેવાન રાજેશભાઈ અણઘણે માર્ગની ગંભીર સ્થિતિ અંગે રજૂઆત કરી ત્વરિત નવો રોડ બનાવવા અથવા સમારકામ કરાવવા તંત્રને તાકીદ કરી છે.
ગઢડા-ઉગામેડી-નિગાળા માર્ગ અત્યંત બિસ્માર બનતા પરેશાની:વાહનોને ભારે નુકસાન; સતત અકસ્માતનો ભય; ગ્રામજનોએ નવા રોડની માંગ કરી
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
