અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે થોડી જ વારમાં સમગ્ર બાબરા શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી વહ્યા
બાબરા શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય બજારોમાં નદીઓની જેમ વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી રસ્તાઓ પરથી પાણી ફરી વળતાં વાહનચાલકો તેમજ વેપારીઓને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
કેવળ બાબરા શહેર જ નહીં પરંતુ તાલુકાના કોટડાપીઠા, મોટા દેવાળિયા, ઉટવડ, ચરખા, સુકવડા અને વાંકિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ વરસ્યો છે. હાલ ખેતરોમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા મહત્વના પાકો ઉભા છે, ત્યારે આ વરસાદ પાક માટે અમૃત સમાન અને આશીર્વાદરૂપ સાબિત થયો છે. પાકને નવું જીવતદાન મળતાં બાબરા પંથકના ખેડૂત આલમમાં ખુશી અને હરખની હેલી જોવા મળી રહી છે.
