ખેડા જિલ્લાના લીંબાસી વિસ્તારમાં વેપારીઓ સાથે છેતરપિંડી અને ડાબા-ડૂબી કરીને નાણાં પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદથી આવેલા બે શખ્સો દ્વારા લીંબાસીના એક વેપારીને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. આ આરોપીઓએ પોતાની કમરે રિવોલ્વર લટકાવી રાખી હતી, અને પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપીને વેપારી પર દારૂનો ખોટો કેસ કરવાની ધમકીઓ આપી હતી.
10 હજાર રૂપિયાના હપ્તાની કરાઈ હતી માંગણી
આરોપીઓ દ્વારા વેપારી પર દાનત બગાડીને પ્રતિ માસ કે વ્યવહાર પેટે રૂપિયા 10,000ના હપ્તાની ગેરકાયદે માંગણી કરવામાં આવી હતી. અચાનક આવેલા આ ધાકધમકીભર્યા માહોલથી વેપારી પણ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમણે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ધોરણે અસલી પોલીસનો સંપર્ક સાધવાનું નક્કી કર્યું હતું.
સમય સૂચકતા વાપરતા રંગે હાથે ઝડપાયા આરોપીઓ
વેપારીએ મામલાની ગંભીરતા સમજીને થોડો સમય માંગ્યો હતો અને તુરંત જ લીંબાસી પોલીસ સ્ટેશનને આ બાબતની સચોટ જાણ કરી હતી. પોલીસની સમયસરની ટીમે બાતમી અને આયોજન મુજબ જાળ બિછાવીને બંને ઠગબાજોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જોરુભાઈ રઘુભાઈ અલગોતર અને કલ્પેશભાઈ ધીરુભાઈ પટેલ બંને અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

લીંબાસી પોલીસે નોંધી કાયદેસરની ગુનાહિત કાર્યવાહી
લીંબાસી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે. આ બંને શખ્સો અગાઉ પણ આ પ્રકારે અન્ય કોઈ વેપારીઓ કે નાગરિકો સાથે તોડ કર્યો છે કે કેમ, અને તેમની પાસે રહેલી રિવોલ્વર અસલી છે કે નકલી તે તમામ દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું મોત
