અમેરિકાની એક કંપનીએ પોતાના ત્યાં કામ કરતા આશરે 80 ભારતીય કર્મચારીઓને માત્ર 5 મિનિટમાં નોકરીમાંથી કાઢી મૂક્યા. આ સમાચાર સોશિયલ મીડિયા પર આવતા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. કંપનીએ કર્મચારીઓ સાથે માત્ર 5 મિનિટની ગૂગલ મીટ કરી અને ત્યારબાદ તેમને તરત જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. હવે ઘણા લોકો કંપનીની આ કાર્યવાહી અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.
કર્મચારીએ પોતાની આપવીતી જણાવી
આ અંગે Reddit પર એક કર્મચારીએ પોસ્ટ શેર કરીને પોતાની આપવીતી જણાવી. પોસ્ટમાં તેણે લખ્યું, “ગૂગલ મીટ પર લેઓફમાં મને કાઢી મુકવામાં આવ્યો.”
પોતાની વાત સમજાવતા કર્મચારીએ આગળ લખ્યું, “હું ગઈકાલ સુધી એક US બેંકની કસ્ટમર સપોર્ટ ટીમનો ભાગ હતો. કામકાજને લગતા કારણોસર કંપનીએ અમને ગઈકાલે ઘરેથી કામ કરવા કહ્યું હતું. હું સાંજે 6:30 વાગ્યાની શિફ્ટમાં કામ કરી રહ્યો હતો. રાત્રે 9:30 વાગ્યે અમને ગૂગલ મીટ પર બોલાવવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે સમગ્ર ભારતીય કસ્ટમર સર્વિસ ટીમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે.”
કર્મચારીએ આગળ લખ્યું, “તમામ 80 કર્મચારીઓ! બધા જ નોકરીમાંથી બહાર થઈ ગયા. માત્ર 5 મિનિટની કોલથી 80 પરિવારો પર અસર થઈ. મને ખરાબ લાગી રહ્યું છે કે અમે એવી કંપનીઓ માટે કામ કરીએ છીએ, જે અમને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકે છે. મને એ વાતનો પણ અફસોસ છે કે મેં મારી નોકરીમાં આટલી મહેનત કરી. હવે નવી નોકરી કેવી રીતે મળશે તેની પણ ખબર નથી. આ ખૂબ જ ખોટું છે.”
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
કર્મચારીની આ પોસ્ટ પર ઘણા Reddit યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. અનેક લોકોએ કંપનીની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ અચાનક નોકરી ગુમાવનારા કર્મચારીઓને સાંત્વના પણ આપી છે.
આ દરમિયાન એક યુઝરે કંપનીના આવા વર્તન અને અચાનક કર્મચારીઓને કાઢી મૂકવાનું કારણ પૂછ્યું હતું. તેના જવાબમાં કર્મચારીએ જણાવ્યું કે કંપનીને તેની ભારતીય ટીમ તરફથી અપેક્ષા મુજબનું કામ મળી રહ્યું ન હતું. આ કારણસર સમગ્ર ટીમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી.
કર્મચારીએ એમ પણ જણાવ્યું કે તમામને અચાનક નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ કંપની તરફથી કોઈ ખાસ સહાય પણ આપવામાં આવી રહી નથી. ઘણા કર્મચારીઓ અહીં 1 વર્ષથી કામ કરી રહ્યા હતા, તેમ છતાં તેમને માત્ર 15 દિવસનો પગાર આપવામાં આવી રહ્યો છે.
