ડ્રગ્સ, ચરસ, ગાંજો અને નશાકારક કફ સિરપ પર પોલીસે સકંજો કસ્યો છે એટલે યંગસ્ટર્સે નશાના નવા રસ્તા શોધી કાઢ્યા છે. 16થી 20 વર્ષના યુવાનો હવે નશો કરવા માટે ઉંઘની દવા, પેઈન કીલરની ટેબલેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બોબી દેઓલની ‘બંદર’ મૂવી આવ્યા પછી ગરોળીની પૂંછડીનો નશો કરવાનો શોકિંગ ટ્રેન્ડ પણ અમદાવાદમાં શરૂ થયો. આખરે મામલો છે શું, વિગતે વાત કરીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : લોકો કેપસ્યુલ અને ટેબલેટનો ઉપયોગ નશા માટે કેમ કરવા લાગ્યા? જવાબ : ગુજરાતમાં દારૂબંધી ભલે હોય પણ જેને તલપ લાગી જ છે તે ગમે ત્યાંથી મેળવી લેશે. આવું જ ગાંજામાં છે. આવું જ MD ડ્રગ્સમાં છે. આવું જ ચરસમાં છે. ગુજરાત કોસ્મોપોલિટન સ્ટેટ બનતું જાય છે. એટલે ગુજરાતમાં, ગુજરાતીઓ સિવાય બહારના રાજ્યોના લોકો ઘણા વસે છે. એટલે ઈન્ટર સ્ટેટ ટૂર વધી જાય. બીજું, દરેક રાજ્યોમાંથી ગુજરાતમાં ટ્રકો માલ ઠલવવા આવે છે. આ ટ્રક ડ્રાઈવરો, ક્લિનરો પણ નશાકારક માલ લઈને આવે. પકડાય જાય તો ઠીક છે પણ નાનો માલ તરત પકડાતો નથી. ગુજરાતમાં MD ડ્રગ્સ અને નશાકારક કફ સિરપ પર કાયદાની ભીંસ વધી છે. ગુજરાત બોર્ડરે કડક ચેકિંગ અને અલગ અલગ શહેરોમાં દરોડા પડતાં પેડલરો ઢીલા પડ્યા છે. કફ સિરપનો નશો તો જૂનો થઈ ગયો પણ કફ સિરપની બોટલમાં નશો વેંચનારા પર ગુજરાત પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે તવાઈ બોલાવી. એવી ભીંસ વધારી કે નશાકારક કફ સિરપની એક બોટલ મેળવવી પણ આ નશાખોરો માટે મુશ્કેલ છે. હા, ગેરકાયદે કફ સિરપની પણ બ્લેક માર્કેટ છે ને તેમાં 1200 રૂપિયાની બોટલ મળે છે. આ જ કારણથી નશેડીઓ હવે કેપ્સ્યુલ અને દવા તરફ વળવા લાગ્યા છે. સવાલ એ છે કે કેપ્સ્યુલ અને ટેબલેટથી નશો કેવી રીતે થાય? તો તેનો જવાબ એ છે કે માનસિક રોગથી પીડિતા દર્દીઓને સાયકિયાટ્રિસ્ટ જે દવા લખી આપે તે દવાનો ઉપયોગ નશા માટે થઈ રહ્યો છે. હકીકતે આવી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર મળે નહીં. મેડિકલ સ્ટોરવાળા આપી પણ ન શકે. છતાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં આવી દવાઓ બેફામ વેચાય છે. 16થી 20 વર્ષના સૌથી વધારે છે. પછી 30થી 35 વર્ષના યુવાનો દારૂ સાથે મિક્સ કરીને લે છે. દારૂના ગ્લાસમાં કેપ્સ્યુલ ખોલીને તેનો પાવડર નાખી દે. નશેડી યુવાનો અલગ અલગ એન્કઝાઈટીની, ઉંઘની દવા અને પેઈન કીલર દવા ગમે ત્યાંથી મેળવી લે છે. પછી તેનું કોઈ મેડિકલ સ્ટોરવાળા સાથે સેટિંગ હોય, કોઈ મિત્ર મારફત મળે, કોઈ પેડલર પહોંચાડી આપે. કોઈપણ રીતે તે મેળવી લે છે. આ દવાઓનું નશા માટે સેવન કરનારાઓમાં 16થી 20 વર્ષના સૌથી વધારે છે. પછી 30થી 35 વર્ષના યુવાનો દારૂ સાથે મિક્સ કરીને પીવે છે. દારૂના ગ્લાસમાં કેપ્સ્યુલ ખોલીને તેનો પાવડર નાખી દે. આ બધી દવાઓના નામ એ લોકો જાણે છે પણ આવી દવાઓ કોડનેમથી મળે છે. સવાલ-2 : આ ટેબલેટના કેવા કોડનેમ હોય છે? જવાબ : એક સૂત્રે નામ ન આપવાની શરતે કહ્યું કે, આ ટેબલેટના કોડવર્ડમાં ઘણા નામ છે. જેવી ગોળી, તેવું નામ. લાલ પરી, કેન્ડી, રિટ્રો પાન્ડા, થેનોસ, બેન્ઝોસ, ચિલપિલ, ડાઉનર્સ, ટેન્કર્સ એવા કોડવર્ડ છે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતની તો ખબર નથી પણ અમદાવાદમાં આવી ટેબલેટ અને કેપ્સ્યુલનું ધૂમ વેચાણ બારોબાર થાય છે. ગોમતીપુર, દરિયાપુર, રખિયાલ, સરખેજ, જુહાપુરા, મેમનગર, બાપુનગર, દાણીલીમડા બધી જગ્યાએ લુઝમાં ટેબલેટ વેંચાય છે. પેડલરો ડ્રગને બદલે આવી નશાકારક ગોળીઓ ઊંચાભાવે વેચવા લાગ્યા છે. જે મેડિકલ સ્ટોરમાંથી પ્રિસ્ક્રિપ્શન પર મળે તે ગોળીઓ પાંચ પાંચ ટેબલેટના લુઝ પેકિંગમાં વેચે છે. એક ગોળીના 50 રૂપિયા, 100 રૂપિયાથી લઈ એક ગોળીના 200 રૂપિયા પડાવે છે, આખી સ્ટ્રીપનો ભાવ 247 રૂપિયા હોય પણ એક ગોળી 200ની વેચે. આની લત જેમને લાગી ગઈ તે ગમે તેટલા રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. આવી ઘટનામાં પોલીસ માટે પડકાર એ છે કે આની સપ્લાય ચેઈન તોડવી મુશ્કેલ છે. ગુજરાતમાં આનો વ્યાપ કેટલો છે તે ATS કે SOG માટે ઈન્વેસ્ટિગેશનનો વિષય છે પણ સૌથી વધારે અમદાવાદમાં આવી ટેબલેટ અને કેપ્સ્યુલનો ઉપયોગ થાય છે. હમણાં, થોડા દિવસ પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાંથી નાસિર પઠાણ ઉર્ફે સંજય માનસિકને ઝડપી લીધો હતો. તેની પાસેથી કેટલીક ટેબલેટ મળી આવી હતી. આ અંગે અમદાવાદ ઝોન-6ના DCP ભગીરથસિંહ ગઢવીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમે આરોપીને પકડ્યો ત્યારે તેની પાસેથી એમ.ડી. ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ટેબલેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેની પાસેથી મળેલી ટેબલેટમાં 300 નંગ અલ્પ્રાઝોલામ અને 350 નંગ પ્રિગાલેબ ટેબલેટ મળી આવી હતી. ત્રણ મહિના પહેલાં 25 જૂને ગુજરાત ATSએ શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે ટ્રાવેલ્સની બસમાંથી પ્રતિબંધિત દવા ટ્રામાડોલના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અંકલેશ્વર પોતાની સીમા ફાર્મા નામની કંપનીમાંથી આ જથ્થો રાજસ્થાન ખાતે ટ્રાવેલ્સમાં મોકલતો હતો, ત્યારે અમદાવાદ ATSએ બસનું ચેકિંગ કરતાં તેમાંથી 6 મોટા બોક્સ મળી આવ્યા હતા. જેમાં ટ્રોમાડોલની 2.08 લાખ ટેબલેટ હતી જેની કિંમત રૂ. 8.32 કરોડની થાય છે. આનો સીધી અર્થ એ થયો કે અમદાવાદમાં નશો કરનારા નવા નવા રસ્તા શોધી કાઢે છે. MD ડ્રગ્સ, ચરસ, ગાંજા અને કફ સિરપ પર પોલીસનો સિકંજો કસાયો અને ચેકિંગ કડક થઈ ગયું એટલે યંગસ્ટર્સ ઉંઘની ગોળીઓ લઈને નશો કરવા લાગ્યા. આ દવાની અસર પણ ખરાબ થાય છે. સવાલ-3 : આ દવાની અસર કેવી થાય છે? જવાબ : આ સવાલનો જવાબ આપતાં શેલ્બી હોસ્પિટલ્સના સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજિસ્ટ ડો. કલરવ મિસ્ત્રી કહે છે, અલ્પ્રાઝોલામ અને લોરાઝેપામ એ ઉંઘની ગોળી છે. પ્રિગાબાલીન પેઈન કીલર તરીકે યુઝ થાય છે. નશો કરવા માટે લોકો દસ-દસ, વીસ-વીસ ચાલીસ ચાલીસ ગોળીઓ એકસાથે લઈ લે છે. એ પણ એક દિવસમાં જ. આ ટેબલેટ અને કેપ્સ્યુલ એવી છે કે પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાય. નાર્કોટિક્સના શિડ્યુલ-એચમાં આવે છે. તેનો રેકોર્ડ રાખવો પડે, બેચ નંબર રાખવા પડે. જો કોઈ મેડિકલ સ્ટોરવાળા આવી ટેબલેટ કે કેપ્સ્યુલ વેચતા પકડાય તો તેનું લાયસન્સ રદ્દ થઈ જાય. નશો કરવા માટે લોકો ડ્રિંક્સમાં મિક્સ કરે, કેટલીક ગોળીઓ ભેગી કરીને કોકટેલ કરીને ખાય. લોરાઝેપામ અને અલ્પ્રાઝોલામ આ બંને ઉંઘની છે. પ્રિગાબાલીન ટેબલેટ ન્યૂરોપેથીમાં પેઈન કીલરમાં વપરાય છે. આજકાલ લોકો પ્રિગાબાલીનનો નશો પણ કરે છે. તેનાથી સ્નાયુ અને મસ્ક્યૂલર દુ:ખાવો ઓછો થઈ જાય. હાથ અને જોઈન્ટ પેઈન ઓછા થઈ જાય. તેને દારૂ પીધા પછી જે મજા આવતી હોય તેવી જ મજા આ ટેબલેટ કે કેપ્સ્યૂલ ખાધા પછી આવે. એકવાર તમે 0.5 mgની બે કે ત્રણ ટેબલેટ લીધી પછી બે-ત્રણ ટેબલેટની અસર ન થાય. પછી પાંચ ટેબલેટ એકસાથે લો તો અસર થાય. પછી દસ ટેલબેટ લો તો અસર થાય. એક સમયે તો દસ ટેબલેટની અસર પણ ના થાય ને વીસ-વીસ ટેબલેટ લેવી પડે. ચેઈન સ્મોકરને પહેલાં બે સિગારેટની ટેવ હોય પછી રોજની દસ-દસ સિગારેટ પીવે એવું. ડો. કલરવ મિસ્ત્રી કહે છે, અમારે ત્યાં એક પેશન્ટ એડમિટ છે. 16 વર્ષનો. અલ્પ્રાઝોલામ 0.5 mgની 40 ટેબલેટ ખાઈ ગયો છે. તેને મેડીકલ સ્ટોરવાળા સાથે સેટિંગ થઈ ગયું હતું. વધારે પૈસા લઈને ઓફ પેપર આપી દે. આ બધી દવાઓમાં એવું છે કે તમે દવા બંધ કરો તો ખેંચ આવી જાય. પ્રિગાબાલીન એ વચ્ચેનો રસ્તો છે. એ શિડ્યુલ-એચમાં નથી આવતી. એટલે પ્રિસ્ક્રીપ્શન વગર પણ મળે છે. પ્રિગાબાલીનથી સ્નાયુનો દુ:ખાવો ઓછો થાય અને ઘેન ચડે. નશો કરનારા લોકો દવાઓનું કોકટેલ બનાવે, પેઈન કીલર, એન્કાસાઈટી બધું મિક્સ કરીને ખાય. એક સાથે છ-સાત દવાઓનું કોમ્બીનેશન કરીને ખાય. લોરાઝેપામ અને પ્રિગાબાલીનની દસ-દસ મળીને 20 ટેબલેટ એક દિવસમાં એકસાથે ખાય જાય. પછી તે દુનિયાથી અલિપ્ત થઈ જાય. તેને જન્નત જેવી ફિલિંગ થાય. આ પ્રકારનો નશો કરનારા ટેબલેટ કે કેપ્સ્યુલ ખાવાનું અચાનક બંધ કરી દે તો ખેંચ આવે. તેની ઊંધી અસર થાય. પછી રિહેબમાં જ એની ટ્રીટમેન્ટ થાય. લોરાઝેપામ અને અલ્પ્રાઝોલામ જેણે લીધી હોય તેને આ લત છોડાવવા અમે પ્રિગાબાલીન આપીએ છીએ. હવે લોકો પ્રિગાબાલીન પણ નશા તરીકે લેતા થઈ ગયા. જેનાથી ઈલાજ થાય છે તેનો જ નશો થવા લાગ્યો એટલે તેનો કોઈ ઈલાજ નથી. આ બધી દવાઓ એવી છે કે તમારે ચાલુ કરવી હોય તો ડોક્ટરને પૂછવું પડે ને બંધ કરવી હોય તો પણ ડોક્ટરને પૂછવું પડે. આ ટેબલેટ વધારે ખવાઈ જાય તો લીવર, કીડની ને બ્રેઈન ત્રણેય ખતમ થઈ જાય. કીડની સૌથી પહેલાં જાય. પછી બ્રેઈન ડેમેજ થાય. અમદાવાદમાં આવી દવાઓની સપ્લાય ચેઈન સ્ટ્રોંગ છે, તે જલ્દી તૂટે તેવી નથી. સવાલ-4 : પ્રિસ્ક્રિપ્શન વગર દવા મળતી નથી છતાં કેવી રીતે સપ્લાય થાય છે? જવાબ : નામ ન આપવાની શરતે આ પ્રકારનો ધંધો કરતા એક વ્યક્તિએ કહ્યું કે મોટાભાગનાનું મેડીકલ સ્ટોરવાળા સાથે સેટિંગ હોય. આમાં મેડિકલ સ્ટોરવાળાઓનું હજાર- હજાર ટકા માર્જિન હોય. દવાની સ્ટ્રીપ પર 247 રૂપિયાની MRP લખી છે. એ લોકોને એક ગોળી પાંચ કે દસ રૂપિયામાં પડતી હોય. પણ તે એક ગોળીના 150-200 રૂપિયા આરામથી લઈ લે છે. જે રીતે 8 કરોડની ટ્રોમાડોલ સાથે અંકલેશ્વરનો વ્યક્તિ પકડાયો હતો તેવી રીતે પાછલા બારણેથી દવાઓ ઘૂસાડનારા ઘણા પેડલર્સ છે. દવાનો નશા તરીકે ઉપયોગ થાય છે તે છુપું રહ્યું નથી. પણ અગાઉ વાંચ્યું તેમ, હવે કફ સિરપ અને MD ડ્રગ્સ પર સકંજો વધારે કસાયો હોવાથી આ પ્રકારની ટેબલેટ, કેપ્સ્યુલ મેળવવા યુથ તલપાપડ બન્યું છે. આની સપ્લાયના ઘણા રસ્તા છે. બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં (ખાસ કરીને અમદાવાદમાં) દવા ઘૂસાડવી. હોલસેલરો પાસેથી પેડલરો માલ લઈ જાય. દવાની સ્ટ્રીપ સહિત નથી વેચતા. દવાને સ્ટ્રીપમાંથી કાઢીને પ્લાસ્ટિકની નાની કોથળીમાં દસ-વીસ કે પચાસ ગોળીઓ ભરીને મન ફાવે તેવા ભાવ વસુલે છે. આ લોકોની સપ્લાય ચેઈન મજબૂત છે. દરેક વિસ્તારમાં કોઈ ફિક્સ લોકેશન નથી એટલે પોલીસથી બચી જાય છે. આખું નેટવર્ક વોટ્સએપ કોલ મારફત ઓપરેટ થાય છે. માલ મગાવવો, માલ લેવો, ગ્રાહકને જાણ કરવી બધું જ વોટ્સએપ કોલ પર થાય. વોટ્સએપ ચેટમાં પણ કોડવર્ડથી વાત થાય… જેમ કે કોઈ ગ્રાહક સપ્લાય કરનારને પૂછે કે, લાલ પરી પડી છે? પેડલર લખે, ના. લાલ પરી નથી. રેટ્રો પાન્ડા છે. એનો મતલબ એ કે લોરાઝેપામ નથી પડી. અલ્પ્રાઝોલામ પડી છે. એના આધારે ઓર્ડર અપાય છે. પેમેન્ટ મોટાભાગે કેશમાં જ થાય છે. કોઈને શંકા ન જાય તેવા લોકેશન પર ભેગા થઈને દવા-પૈસાની આપ-લે થઈ જાય છે. મેઈન સપ્લાય ચેઈન ક્રેક કરવી હોય તો પોલીસ, SOGએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને તમામ દવાની દુકાનો, હોલસેલર્સને ત્યાં સઘન ચેકિંગ કરવું જોઈએ. દરેકના હિસાબ-કિતાબ ચેક કરવા જોઈએ. કારણ કે હવે તો દરેક દુકાનમાં કોમ્પ્યુટર સિસ્ટમ હોય. બે-ચાર દવાના નામ અને તેના સ્ટોકની વિગતો તરત મળી જાય. આ તો થઈ દવાની વાત પણ ‘બંદર’ મૂવી રિલિઝ થયા પછી અમદાવાદમાં અલગ જ પ્રકારના, આપણે વિચારી પણ ન શકીએ તેવા પ્રકારના નશાની શરૂઆત થઈ છે. એ છે ગરોળીની પૂંછડી. સવાલ-5 : શું ગરોળીની પૂંછડીથી નશો કરી શકાય? જવાબ : જુલાઈ 2020માં ઈન્ડિયન જનરલ ઓફ સાયકિયાટ્રીનું એક રિસર્ચ પેપર બહાર પડ્યું હતું. જેને ઓસ્ટ્રેલિયાના મેલબર્નના સાયકિયાટ્રિસ્ટ સૌમિત્ર દાસ, પશ્ચિમ બંગાળના સાયકિયાટ્રિસ્ટ શેષાદ્રી શેખર ચેટર્જી અને ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના સાયકિયાટ્રિસ્ટ સાયંતનવ મિત્રાએ લખેલું હતું. 2020ના આજથી 6 વર્ષ પહેલાંના રિસર્ચ પેપરમાં શું લખ્યું છે તે વાંચો. કોલકત્તામાં રહેતો 17 વર્ષનો દીપોન ભણવામાં હોંશિયાર પણ સ્વભાવનો ગુસ્સાવાળો. ધીમે ધીમે તેણે સ્કૂલે જવાનું ઓછું કરી નાખ્યું. તેનું ભણવામાં ધ્યાન નહોતું. તે ઘેનમાં ને નશામાં રહેતો. તેને તેના માતા-પિતા ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાં તેણે ગોળગોળ જવાબ આપ્યા. પછી બીજા ડોક્ટર, ત્રીજા ડોક્ટરને બતાવ્યું. અંતે દીપોને કબૂલી લીધું કે, તે નશામાં રહેવા માટે ગરોળીની પૂંછડીનો ઉપયોગ કરતો હતો. દીવાલ પર ચાલતી ગરોળી જોવે કે તરત પૂંછડી પાસે લાકડી ફટકારીને પૂંછડી નીચે પાડી દેતો હતો. પછી પાંચ-સાત પૂંછડીઓ ભેગી કરીને તેને ફૂલસ્કેપ ચોપડાના પેઈજ પર રાખતો. કાગળથી થોડે દૂર સિગારેટનું લાઈટર ચાલુ કરી તેની ફ્લેમથી કાગળ ગરમ કરતો. કાગળની સાથે સાથે ગરોળીની પૂંછડી ગરમ થાય એટલે ધૂમાડો ઉત્પન્ન થતો હતો. આ ધૂમાડાને મોઢેથી ખેંચાય એટલો ખેંચતો. 17 વર્ષના દીપોને કબૂલ્યું કે આવું કરવાથી તેને 10 મિનિટમાં જ મગજ શાંત થઈ જતું હતું. લાંબો સમય હું તંદ્રામાં રહેતો હતો. દિવસમાં ચારેક વાર આવું કરતો. દીપોને ક્યાંય વાંચ્યું નહોતું કે કોઈએ તેને કહ્યું નહોતું. અચાનક તેને સૂઝ્યું ને આવું કરવા લાગ્યો. પછી થયું એવું કે દીપોનને અમુક દિવસે નવી પૂંછડી ભેગી કરવી પડે એટલે તે અવાવરૂ જગ્યાએ ગરોળી શોધવા નીકળતો. તેના કારણે તેણે સ્કૂલે જવાનું ઓછું કરી નાખ્યું હતું અને તેની અસર અભ્યાસ પર પડવા લાગી. આ રિસર્ચ પેપરમાં લખ્યું છે કે આવું કરવાથી તેના શરીરમાં બીજી કોઈ તકલીફ નહોતી થઈ પણ તેને જાણે એક પ્રકારની લત લાગી ગઈ હતી. બે મહિનાના કાઉન્સેલિંગ અને રિહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ પછી તેના મગજમાંથી ગરોળીની પૂંછડીનું ભૂત ઉતર્યું. નવેમ્બર 2025માં પંજાબની જેલોના સમાચાર ગાજ્યા હતા. ત્યાંની પટિયાલા, ભઠિંડા, જલંધર જેવી જેલોમાં ડ્રગ્સની લત હોય તેવા કેદીઓ આ પ્રયોગ કરતા. આ કેદીઓ ગરોળીની પૂંછડીને તોડીને તેને સળગાવી નાખતા પછી તેનો ધૂમાડો લઈને નશાની અનુભૂતિ કરતા હતા. જેલોમાં ગરોળીઓ પર આફત આવી ગઈ. દીવાલ પર એક ગરોળી દેખાય તો તને પકડવા કેદીઓ ટોળે વળી જાય. બસ, આવી જ થીમ પર નશો કરવાની રીત બોલી દેઓલની ‘બંદર’ ફિલ્મમાં બતાવી છે. તેમાં નશો કરવાની રીત જૂદી છે. શેલ્બી હોસ્પિટલ્સના સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજિસ્ટ ડો. કલરવ મિસ્ત્રી કહે છે, બંદર મૂવી આવ્યા પછી ગરોળીની પૂંછડીથી નશો કરવાના કેસ વધ્યા. ગરોળીની પૂંછડીમાં એક કેમિકલ હોય છે. નશેડી ગરોળીની પૂંછડી કાપી નાખે પછી કાચની બોટલમાં ભરે. પછી બોટલને નીચેથી ગરમ કરે. બોટલમાં ધૂમાડો ઉત્પન્ન થાય. બોટલના ઢાંકણામાં કાણું પાડે ને તેમાંથી નીકળતા ધૂમાડો સ્મોક કરે. ગરોળીની પૂંછડીમાં ઝાયલીન નામનું કેમિકલ હોય છે તે જ્ઞાનતંતુઓને એકદમ ઉત્તેજિત કરે. બંદર ફિલ્મ આવ્યા પછી મારી પાસે આવા કેસ ચારેક કેસ આવ્યા. એટલે અમદાવાદમાં પણ ગરોળીની પૂંછડીથી નશો કરવાનું શરૂ થયું છે. ડો. મિસ્ત્રી આગળ કહે છે, ઝાયલેસીન નામનું ડ્રગ આવે છે તે જીમ ટ્રેનર લેતા હોય છે. જીમ ટ્રેનર મોટાભાગે સ્ટીરોઈડના ઈન્જેક્શન લેતા હોય છે. સ્ટ્રોંગ કરવા માટે તે લે છે. આને ઝોમ્બી ડ્રગ કહે છે. આ પ્રકારના ઝાયલેસીન જેવા ડ્રગ પ્રાણીઓને શાંત પાડવા માટે હોય છે. પણ માણસ તેનો ઉપયોગ કરવા લાગ્યો છે. પ્રાણીઓ શાંત પડે પણ માણસ ઉત્તેજિત બની જાય છે. આ લેનારાને ગાંજો, ચરસ પીધા પછી જેવી ફિલિંગ આવે તેવી ફિલિંગ આવે.
ગરોળીની પૂંછડીથી નશો કરવાનો શોકિંગ ટ્રેન્ડ:લાલ પરી, ચિલપિલ જેવા કોડવર્ડથી ઉંઘની ગોળીનો વેપલો; યંગસ્ટર્સ રોજની 20થી 40 ગોળી ખાય જાય
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
