‘ગુજ્જુ લવ ગુરૂ’નું અકસ્માતમાં મોત, છેલ્લે પેટ્રોલ પૂરાવ્યું, CCTV:શૂટિંગ પતાવી ઘરે જતો હતો પણ પરિવારને ન મળી શક્યો ચંદન રાઠોડ, ગણતરીની મિનિટોમાં કાળ ભેટી ગયો

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

પોતાની આગવી કોમેડીથી ગુજરાતીઓના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. શૂટિંગ પતાવી ઘરે પરત ફરતાં સમયે 17 સપ્ટેમ્બરે હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અકસ્માત નડ્યો હતો તે બાઈક પર મોતની ગણતરીની મિનિટો પહેલાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર છેલ્લીવાર પેટ્રોલ પૂરાવતા નજરે ચડ્યા હતા. ભાભરની હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં ચંદન રાઠોડનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેમના ચાહકો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કોમેડિયનના આકસ્મિક મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારે ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાશે. શૂટિંગ પૂર્ણ કરી પરત ફરતી વખતે અકસ્માત
ચંદન રાઠોડ વિલેજની ટીમ સાથે વીડિયો શૂટિંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પહેલાં તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પેટ્રોલ પંપથી જ્યાં અકસ્માત સર્જાયો તે સ્થળ આશરે ત્રણથી ચાર કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. સુઈગામનું નામ ગુજરાતમાં પહોંચાડ્યું
ચંદન રાઠોડના નજીકના લોકોએ જણાવ્યું હતું કે સુઈગામ જેવા પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ગામમાંથી ચંદનભાઈએ પોતાની આગવી પ્રતિભાના કારણે સમગ્ર ગુજરાતમાં ગામનું નામ પહોંચાડ્યું હતું. તેમના નિધનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ આખું સુઈગામ તાલુકો અને ગુજરાત દુઃખી થયું છે. સુઈગામના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “ચંદનભાઈની વસમી વિદાય આખા વિસ્તાર, સુઈગામ તાલુકા અને ગુજરાત રાજ્ય માટે ખૂબ દુઃખદ ઘટના છે. તેમના નામના કારણે સુઈગામની એક અલગ ઓળખ સમગ્ર ગુજરાતમાં બની હતી. ખૂબ સારા કોમેડિયન એવા ચંદનભાઈની વિદાયથી આખું ગામ શોકગ્રસ્ત છે.” નોકરી છોડીને કોમેડીના ક્ષેત્રમાં આવ્યા
ચંદન રાઠોડનો જીવનસંઘર્ષ પણ જાણવા મળ્યો છે. પરિવારજનો અને મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમે ધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમના એક મિત્રએ જણાવ્યું હતું કે, “કઈક કરવું છે એવા મોટિવ સાથે તેઓ અહીં આવ્યા હતા. હળવે હળવે સોશિયલ મીડિયામાં કોમેડી કિંગ તરીકે એક્ટિવ થયા અને ગુજ્જુ લવ ગુરૂ તરીકે નામ રોશન કર્યું. લાખો લોકોને હસાવનાર આજે અમારી વચ્ચે નથી.” ‘આપણે વિશ્વાસ જ નહોતો થતો…’
આકસ્મિક મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મિત્રોને શરૂઆતમાં વિશ્વાસ જ નહોતો થયો. મિત્રના જણાવ્યા મુજબ, “આ છેલ્લો વીડિયો બન્યો હતો. એ વીડિયો જોયા બાદ કોલ અને મેસેજ આવ્યા ત્યારે અમને વિશ્વાસ નહોતો થતો કે આવું અમારી સાથે થયું હશે. અમને લાગતું હતું કે ગુજ્જુ લવ ગુરૂને કંઈ થઈ જ ન શકે. બાદમાં અમે દોડીને ગયા અને ખબર પડી કે અમારો મિત્ર હવે અમારી વચ્ચે નથી.” મુશ્કેલ પરિસ્થિતિમાંથી બનાવી ઓળખ
ચંદન રાઠોડના મિત્ર ભરતસિંહ રાજુસિંહે જણાવ્યું હતું કે ચંદનનો પરિવાર વર્ષોથી મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન ગુજારતો હતો. તેમના પિતા મજૂરી કરતા અને ત્રીજા ભાગે જમીન વાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આવી પરિસ્થિતિમાંથી ચંદને સોશિયલ મીડિયામાં પોતાની ઓળખ બનાવી હતી. હોસ્પિટલે ટોળટોળા, રાતે અંતિમસંસ્કાર
અકસ્માતની જાણ થતાં તેમના ચાહકો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કોમેડિયનના આકસ્મિક મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારે ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં રાત્રે અંતિમસંસ્કાર કરાયા હતા. અકસ્માતમાં મોતના સમાચાર મળતાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાભર હોસ્પિટલ દોડી ગયા હતા અને દુઃખની ઘડીમાં પરિવાર અને સ્વજનો સાથે રહ્યા હતા. ગ્રાફિક્સમાં જુઓ ક્યાં અકસ્માત સર્જાયો
ગેનીબેને યુવાવર્ગને ચંદન રાઠોડના વીડિયોની વાત કરી
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, પંથક માટે ખૂબ દુઃખદ ઘટના છે. સુઈગામના વતની ચંદનભાઈ અને ‘ગુજ્જુ લવ ગુરૂ’ નામથી કોમેડિયન તરીકે આ વિસ્તારના તમામ લોકોના દિલમાં એમનું સ્થાન હતું. એમનું એક્સિડન્ટથી મૃત્યુ થયું છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં એમને ચાહવાવાળો વર્ગ ખૂબ ઊંડી ચિંતાઓમાં છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તેમના આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારજનો છે એમને પણ દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. આ યુવા પેઢીને આના માધ્યમથી એટલો જ મેસેજ કે એણે 4 કલાક પહેલાં વીડિયો બનાવ્યો છે કે જિંદગીનો કોઈ જ કેમ કે ગેરંટી નથી. આવો વીડિયો એણે છેલ્લી ઘડીએ બનાવ્યો છે ત્યારે એ આપણી વચ્ચે નથી રહ્યો. અને જ્યારે પણ જ્યાં જરૂર પડે ત્યાં પરિવારને જે પણ નાની મોટી જરૂર હોય કે પરિવારની સાથે અમારી સંવેદના એમની સાથે છે. અને આ આવી ઘટનાઓ ટાળવા માટે કરીને જનજાગૃતિ થાય અને જે યુવાવર્ગ જે બાઇકોમાં કાયમની દુનિયાની અંદર લૂંટાઈ જતું હોતું નથી, પણ શાંતિથી બાઇક ચલાવી અને પોતાની જિંદગી સુરક્ષિત રાખે અને હેલ્મેટનો ઉપયોગ શક્ય હોય એટલી વાર વધારે કરે. સામાન્ય પરિવારમાંથી સોશિયલ મીડિયા સુધીની સફર
સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઉભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવતા અને લોકોને હસાવતા હતા. ગ્રામ્ય વિસ્તારની વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી. તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા. 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ
ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે. તેમના કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા અને યુવાનોમાં તેઓ ખાસ લોકપ્રિય હતા. ચંદન રાઠોડે સોશિયલ મીડિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. કોમેડી ક્ષેત્રે તેમણે વાવ-થરાદના ગ્રામ્ય પંથકમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી રાજ્યભરમાં નામના મેળવી હતી. અચાનક મોતથી ચાહકોમાં શોક
ભાભર નજીક અકસ્માતમાં ચંદન રાઠોડના મોતના સમાચાર સામે આવતા તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. એક સામાન્ય પરિવારમાંથી પોતાની મહેનત અને પ્રતિભાના જોરે કોમેડીના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવનાર ચંદન રાઠોડનું અચાનક નિધન પરિવાર, ચાહકો અને સમગ્ર પંથક માટે આઘાતજનક બન્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *