જ્યારે પણ આપણે જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને બહાર આવીએ તે સમયે હાથમાં પવિત્ર પ્રસાદ આવે ત્યારે એ માત્ર ભક્તિનો જ નહીં પણ પર્યાવરણની રક્ષાનો પણ એક ભાગ હોય તો કેવું? કંઇક આવો જ ક્રાંતિકારી બદલાવ હવે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ધામમાં જોવા મળશે. મંદિરનો પ્રસાદ હવે પ્લાસ્ટિકના ડબ્બાઓને બદલે કાગળ તેમજ ટીનના 2 નવા બોક્સમાં મળશે. આ ડ્રીમ પ્રોજેક્ટ માટે 18થી વધુ ડિઝાઇનમાંથી આખરે શિવજીના વાહન નંદી, બિલિપત્ર અને મંદિરના ભવ્ય આર્કિટેક્ચરથી પ્રેરિત એવી બે અદ્ભૂત ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન મોદીના જન્મદિવસે (ગઇકાલે ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવા બોક્સનું લોન્ચિંગ કર્યું. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (NID) અમદાવાદે આ 2 નવા બોક્સ તૈયાર કર્યા છે. NIDમાં છેલ્લા 5 વર્ષથી ફર્નિચર અને ડિઝાઇનના ફેકલ્ટી તરીકે કાર્યરત અને સોમનાથ મંદિરમાં પ્રસાદમાં મળનારા નવા બોક્સની ડિઝાઇન કરનારાં નેહા માંડલિક સાથે દિવ્ય ભાસ્કરે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી અને પ્રસાદના નવા બોક્સ અંગેની માહિતી મેળવી હતી. જોઇ લો નવા બોક્સ
ભક્તોને જે 2 નવા બોક્સમાં પ્રસાદ મળશે, તેમાંથી એક બોક્સ કાગળનું બનેલું છે, જ્યારે બીજું બોક્સ ટીનમાંથી બનેલું છે. 2 બોક્સ ફાઇનલ થઇ ગયા પછી તેના કલરની પણ પસંદગી કરાઇ હતી. પ્રસાદ માટેના નવા બોક્સ માટે બે ગ્રાફિક્સ બેઝ્ડ થીમ નક્કી થઇ હતી. પહેલી થીમ મંદિરના આર્કિટેક્ટચરને ધ્યાને રાખીને કરાઈ હતી. બીજી થીમ શિવજીના વાહન નંદી પરથી પ્રેરણા લઇને તૈયાર કરવામાં આવી હતી.પછીથી તેમાં બિલિપત્રની ડિઝાઇન પણ એડ કરવામાં આવી હતી. બોક્સને જુદા-જુદા આકાર અને ફોર્મમાં પણ તૈયાર કરવાના હતા. બોક્સ પર પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડો અને પર્યાવરણ બચાવો જેવા સૂત્રો લખીને સામાજિક સંદેશો પણ આપવામાં આવ્યો છે. પ્રસાદના આ નવા બોક્સને ડિઝાઇન કરવાની શરૂઆત 2024માં થઇ હતી. ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે NIDને આ પ્રોજેક્ટ સોંપીને બોક્સને રી-ડિઝાઇન કરવાનું કહ્યું હતું. હાલમાં પ્રસાદનું જે બોક્સ અપાય છે તે પ્લાસ્ટિકનું છે. ઘણા લોકો પ્રસાદ ખાઇને મંદિરની આસપાસ આ બોક્સ ફેંકી દેતાં હોય છે. આ જ કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે. પ્લાસ્ટિકને લીધે થતું પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકાય તેને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. નેહા માંડલિકે દિવ્ય ભાસ્કરને કહ્યું, ”અમે પ્રસાદના બોક્સને નવી રીતે રી ડિઝાઇન કર્યું છે, જેમાં સસ્ટેનેબલ મટિરિયલને કારણે લોકો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકે તે બાબતને ધ્યાને રખાઈ છે. મેં અને મારી ટીમે તૈયાર કરેલા બોક્સ માટે ઘણાં રિસર્ચ, પ્રોટોટાઈપ અને સ્ટેપ્સને ફોલો કર્યા છે. જેના પછી આ બોક્સ ફાઇનલ થયું છે.” નવા બોક્સ પર જોવા મળશે નંદી અને બિલિપત્ર
આ બંને બોક્સમાં યલો અને ઓરેન્જ કલરને પસંદ કરાયો છે. આની પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, ”જ્યારે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તેમાં હળદર અને કુમકુમ હોય છે. આ જ કારણે આ 2 કલર કોમ્બિનેશનને બોક્સ માટે પસંદ કરવામાં આવ્યા છે. બોક્સમાં નંદીને બ્લૂ કલરથી દર્શાવ્યા છે. જ્યારે બિલિપત્રની ડિઝાઇન પણ કંડારવામાં આવી છે. જેના કારણે એ બોક્સ પરનું બ્રાન્ડિંગ પણ ખૂબ જ આકર્ષક રીતે ઉભરીને આવ્યું છે.” નેહા અને તેમની ટીમે પ્રોજેક્ટ પર કામ શરૂ કરતાં પહેલાં રિસર્ચ કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેમણે ભારતના 28 મંદિરોમાં કેવા પેકેજિંગ સાથે પ્રસાદ અપાય છે તેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કર્યા બાદ ટીમે અંબાજી મંદિરમાં વિઝિટ કરીને ફિલ્ડ કેસ સ્ટડી પણ કર્યો હતો. આ અંગે નેહા કહે છે કે, ”અંબાજીમાં અમને જાણવા મળ્યું કે અહીં પણ પ્લાસ્ટિકના ડબ્બામાં મોહનથાળનો પ્રસાદ અપાય છે. ગ્રાઉન્ડ સ્ટડીમાં મને અને મારી ટીમને એક ચોંકાવનારી બાબતની ખબર પડી કે અહીં દર મહિને ઓલમોસ્ટ 11 હજાર કિલો પ્લાસ્ટિક વપરાય છે. એક વર્ષમાં લગભગ 168 હજાર કિલો ટન પ્લાસ્ટિક વેસ્ટ પ્રોડ્યુસ થઈ રહ્યું છે. જેના કારણે પોલ્યૂશન થઇ રહ્યું છે. નવરાત્રિમાં તો તેનું પ્રમાણ વધી જાય છે. આવા ડબ્બાઓ ઘણીવાર રિસાયકલ નથી થઇ શકતાં જેના કારણે પ્રદૂષણ વધતું જાય છે. ભક્તો પણ ક્યારેક-ક્યારેક પ્રસાદના બોક્સને અન્ય જગ્યાએ ફેંકવાના બદલે નદીમાં પધરાવી દેતાં હોય છે. જેથી જાણતા અજાણતા તેઓ નદીને પણ પ્રદૂષિત કરે છે.” 18માંથી 2 બોક્સની પસંદગી
આ ટીમે શરૂઆતના તબક્કે જે રિસર્ચ કર્યું તેમાં લગભગ ચારેક મહિનાનો સમય લાગ્યો હતો. તે પછીના ફેઝમાં નવી-નવી ડિઝાઇન અને રિસર્ચમાં ટાઇમ લાગ્યો હતો. સોમનાથ માટે પ્રસાદના 18 જેટલા નવા બોક્સ તૈયાર કર્યા હતા. જેમાંથી 5 બોક્સની ડિઝાઇન પ્રારંભિક તબક્કે જ પસંદ થઇ ગઇ હતી. આ 5 ડિઝાઇનમાંથી છેલ્લા તબક્કામાં ફક્ત 2 જ ડિઝાઇન પસંદ કરાઇ હતી.
આ પ્રોજેક્ટ જ્યારે પ્રારંભિક તબક્કામાં હતો ત્યારે ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ એવું કહ્યું હતું કે નવા બોક્સમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળજો. બીજી તરફ ફિલ્ડ વિઝિટ દરમિયાન ટીમે જે જોયું તેના આધારે નક્કી કર્યું કે ગમે તે થાય પણ નવા બોક્સમાં પ્લાસ્ટિકનો ઉપયોગ તો નહીં જ કરીએ. જેના કારણે કાગળ અને ટીન મટિરિયલનો ઉપયોગ કર્યો છે. કાગળ અને ટીનનું મટિરિયલ પસંદ કરવા પાછળનું કારણ જણાવતા નેહાએ કહ્યું, ”કાગળને સરળતાથી રિયુઝ પણ કરી શકાય અને ટીનનો લાંબા સમય સુધી લોકો ઉપયોગ પણ કરી શકે. કેટલાક લોકો પ્રસાદ મંદિર પાસે જ ખાઇને જતાં હોય છે. જેથી જો તે બોક્સ કાગળમાંથી બનેલું હોય તો તેનાથી પ્રદૂષણ નથી થતું. બોક્સ એવી રીતે તૈયાર કરાયું છે કે તેને સાથે ક્યાંય લઇ જવામાં આવે તો તેમાં રહેલો પ્રસાદ એમનો એમ જ રહે છે. અમે પ્રિમિયમ કેટેગરીના ટીન મટિરિયલમાંથી બોક્સ તૈયાર કર્યું છે, તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે લાંબા સમય સુધી તેની સેલ્ફ લાઇફ રહે અને લોકો પ્રસાદ ખાઇ લીધા પછી પણ તેનો અન્ય વસ્તુઓ મૂકવા માટે ઉપયોગ કરી શકે. અમે જ્યારે ડિઝાઈન કરી રહ્યાં હતા ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે લોકો તેને જુએ કે ખરીદે તો ત્યારે તેને યાદ રહી જાય કે આ બોક્સ સોમનાથ મંદિરનું જ છે.” આ પ્રોજેક્ટમાં સૌથી મોટી ચેલેન્જ તો એ હતી કે હાલમાં જે પેકેટ મળે છે તે તો લોકો ખરીદી રહ્યાં છે પણ હવે લોકોને વધુને વધુ પસંદ આવે તે રીતે કેવી રીતે પ્રસાદ પેકેજની ડિઝાઇન કરીએ? માત્ર પસંદ જ નહીં પણ વધુમાં વધુ લોકો તેને ખરીદીને ઘરે પણ લઇ જાય. તેમણે કહ્યું કે, ”અમે એવો પ્રયત્ન કર્યો છે કે સોમનાથ મંદિર અને મહાપ્રસાદની ઓળખ લોકો સુધી મજબૂતાઇથી પહોંચે. અમે આ પ્રસાદના બોક્સ પર હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પાછળનો ઉદ્દેશ એ છે કે સોમનાથમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી લોકો આવે છે જેથી બધા લોકો તે વાંચી શકે અને સમજ પડે.” બોક્સ તૈયાર કરવા પાછળની મહેનત અને મંથનની વાત કરતાં તેમણે કહ્યું કે, ”મેં અને મારી ટીમે આ પ્રોજેક્ટ હાથમાં લીધો એ પછી આખરે 2 વર્ષ બાદ પૂર્ણ થઇ ગયો છે. આ બે વર્ષ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી છે. આ દરમિયાન અમે સતત એક જ વાતનું મંથન કરતા હતા કે પોઝિટિવ રીતે લોકોમાં કેવી રીતે બિહેવિયર બદલાવ લાવી શકાય. હું અને મારી ટીમ ભગવાનમાં ખૂબ જ માનીએ છીએ. અમને એવું લાગે છે કે ભગવાનના પ્રસાદ માટે જે બોક્સની ડિઝાઇન તૈયાર કરવાનો અમને મોકો મળ્યો છે એના અમે નિમિત્ત માત્ર છીએ. સાથે જ અમારી આ ડિઝાઈનથી અમે લાખ્ખો લોકો સુધી પર્યાવરણનો મેસેજ પહોંચાડી શકીશું, જેથી મને લાગે છે કે આ ખૂબ જ મોટી સફળતા કહી શકાશે.” નેહાને આશા છે કે લોકોને પ્રસાદનું આ નવું બોક્સ ખૂબ ગમશે. મંદિરના ભવ્ય આર્કિટેક્ચર, નંદી અને બિલિપત્રની ડિઝાઈન સાથેના આ નવા ઈકો-ફ્રેન્ડલી પેકેજિંગને ભક્તો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રસપ્રદ રહેશે.
પહેલીવાર જુઓ સોમનાથના નવાં પ્રસાદ બોક્સ:પ્લાસ્ટિક નહીં, કાગળ અને ટીનમાંથી બનશે; મહાદેવને પ્રિય નંદી અને બિલિપત્રની થીમ
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
