Ahmedabad News: શહેરમાં કેમ ભરાઈ જાય છે વરસાદી પાણી, ખુદ ભાજપના જ ધારાસભ્યએ મનપાની પોલ ખોલી

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ગોઠણસમા પાણી ભરાઈ જવાની સમસ્યા આજની નથી. દર વર્ષે કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરનારા AMCના સત્તાધિશો શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલી શક્યા નથી. માત્ર એકથી દોઢ ઈંચ વરસાદમાં જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોના મકાનો અને દુકાનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે. અંડરપાસ બંધ કરવા પડે છે અને રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સવારથી જ નોકરી ધંધે નીકળેલા લોકો આ વરસાદી પાણીમાં મુશ્કેલીમાં મુકાય છે. આ મુદ્દે ભાજપના જ ધારાસભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ મનપાની ઈલેક્ટ્રીક બસનો મુદ્દો ઉઠાવનાર ધારાસભ્ય અમિત શાહે આ વખતે વરસાદી પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે.

રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નથી થતી

અમદાવાદ શહેરમાં AMCની વહીવટી કામગીરી સામે ખુદ સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.એલિસબ્રિજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ પર વરસાદી પાણીના નિકાલની બદ્દતર વ્યવસ્થાઓને લઈને તંત્રની પોલ ખોલી નાખી છે.તેમણે જાહેરમાં આક્ષેપ કર્યો છે કે સાબરમતી રિવરફ્રન્ટ અને રિવર ઓપનિંગમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી.જેના કારણે માત્ર 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે તો પણ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં પરંતુ આ મુદ્દે સત્તાવાર સંકલન બેઠકમાં પણ કડક રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

એએમસીના અધિકારી જવાબ આપી ના શક્યા

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે.AMC અને સિંચાઈ વિભાગ વચ્ચેના સંકલનના અભાવના કારણે સાબરમતી નદીમાંથી એકસાથે મોટા પ્રમાણમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું.નદીમાં અચાનક પાણી છોડવામાં આવવાના કારણે શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો સમયસર નિકાલ થઈ શક્યો ન હતો.જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ગંભીર મુદ્દે જ્યારે મીડિયા દ્વારા Dy.MC દિનેશ ગુરવને સીધા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.તેઓ માત્ર AMC અને ઇરીગેશન વિભાગ વચ્ચેના સંકલનનું જ રટણ કરતા રહ્યા અને પત્રકારોના આકરા સવાલો સામે મૂકમુદ્રામાં બેસી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Rajkot News: આવાસ કૌભાંડમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીનું નામ ખૂલ્યું, જાણો તેમણે શું ખુલાસો કર્યો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *