ગોધરામાં આગામી રવિવારે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસ તંત્રએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ માટે ગણેશ વિસર્જનના પરંપરાગત અને સંવેદનશીલ રૂટ પર રૂટ માર્ચ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની આગેવાનીમાં આ રૂટ માર્ચ યોજાઈ હતી. તેમાં મહીસાગર અને દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓ, DySP, LCB, SOG, તાલુકા પોલીસ અને ગોધરા A અને B ડિવિઝનનો પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. સુરક્ષા વધુ મજબૂત કરવા SRP અને હોમગાર્ડના જવાનો પણ રૂટ માર્ચમાં સામેલ થયા હતા.
રૂટ માર્ચ શહેરના મુખ્ય વિશ્વકર્મા ચોક ખાતેથી શરૂ થઈ હતી. પછી જૂની પોસ્ટ ઓફિસ, પટેલવાડા, રાની મસ્જિદ, પોલન બજાર, ચોકી નંબર 7, સ્ટેશન રોડ, ગીદવાની રોડ અને ભાગોળ જેવા ગણેશ વિસર્જનના મુખ્ય અને સંવેદનશીલ રસ્તાઓ પર પોલીસ કાફલાએ પગપાળા પેટ્રોલિંગ કર્યું. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિનો માહોલ રહે અને અસામાજિક તત્વો પર પોલીસ નજર રાખી શકે તે હેતુથી આ રૂટ માર્ચ યોજાઈ હતી. પોલીસની આ કવાયતથી શહેરમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે.
ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા પૂર્વે પોલીસનો રૂટ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
