Ambajiમાં ભારે વરસાદ વચ્ચે કરુણાંતિકા, ગબ્બર પાર્કિંગની દિવાલ ધરાશાયી થતાં નિર્દોષ બાળકનું મોત

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગબ્બર પાર્કિંગ સ્થિત આવેલી એક દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. વરસાદના કારણે જમીન ધોવાઈ જતાં કે બાંધકામ નબળું હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

દિવાલ તૂટી પડતાં વિશાલ ભરથરી નામના બાળકનું મોત

અચાનક દિવાલ ધરાશાયી થતાં ત્યાં પાસે જ ઉભેલા વિશાલ ભરથરી નામના માસૂમ બાળક પર ભારેખમ કાટમાળ તૂટી પડ્યો હતો. બાળક કાટમાળ નીચે દબાઈ જતાં સ્થળ પર હાજર લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી બાળકને બહાર કાઢ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે માસૂમ બાળકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બાળકના કરુણ મોતને પગલે તેના પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

બે મહિના પહેલાં પડેલી દિવાલ ફરી તૂટી

આ ચોંકાવનારી ઘટના બાદ તંત્રની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગબ્બર પાર્કિંગની આ જ દિવાલ માત્ર બે મહિના અગાઉ પણ ધરાશાયી થઈ હતી અને તે જ સ્થળે પુનઃ દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. યોગ્ય મજબૂતી વગર ફરીથી દિવાલ બનાવી દેવાતાં આ હોનારત સર્જાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Sabarkanthaના તલોદમાં મેઘમહેર, ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદી બે કાંઠે વહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *