સોનીની સતર્કાતાથી 3.84 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:જૂનાગઢમાં કેન્સર પીડિત મહિલાના સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર, પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

જૂનાગઢના મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં કેન્સર પીડિત મહિલાના બંધ મકાનનું તાળું તોડી ₹3,84,000 ની મત્તાની ઘરફોડ ચોરી આચરનાર બે આરોપીઓ આકાશ ચૌહાણ અને વિજય સોલંકીને સી-ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. ​ચોરાયેલો મુદ્દામાલ વેચવા ગયેલા આરોપીઓની શંકાસ્પદ હિલચાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સોની બજારના વેપારી ડેનિશ લાઠીગરાની સતર્કતાને કારણે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઘરનો દરવાજો તોડી અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, સવારે 9:30 થી સાંજે 5:00 વાગ્યાના સમયગાળા દરમિયાન, ફરિયાદી ભારતીબેન કશ્યપભાઈ ભટ્ટ જેઓ કો-ઓપરેટિવ બેંકમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ નોકરી પર હતા, ત્યારે તેમના ઘરનો દરવાજો તોડી અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. કબાટ અને તિજોરીમાંથી 8 ગ્રામનું મંગળસૂત્ર, 13 ગ્રામની ફેન્સી સોનાની ચેઈન, 5 ગ્રામની પટ્ટી ટાઈપની ચેઈન અને ₹18,000 રોકડા મળી કુલ ₹3,84,000 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીના પતિનું કેન્સરથી અવસાન થયેલું છે અને તેઓ પોતે પણ કેન્સર પીડિત છે. પોલીસે ઘરેણાંના ફોટા મોકલી વેપારીઓને સતર્ક કર્યા
પોલીસે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન જૂનાગઢ ‘એ’ ડિવિઝન PI દ્વારા સોની બજારમાં ઘરેણાંના ફોટા મોકલી વેપારીઓને સતર્ક કરાયા હતા. જ્યારે આરોપીઓ ચોરાયેલા સોનાનો મુદ્દામાલ વેચવા માટે સોની બજારમાં ગયા ત્યારે તેમની શંકાસ્પદ હિલચાલ અને મુદ્દામાલ વેચવા ગયેલા આરોપીઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વેપારી આરોપીઓને ઓળખી જતાં પોલીસને જાણ કરી
સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સોની બજારમાં રહેતા ડેનિશ ધીરેનકુમાર લાઠીગરાની સતર્કતાને લીધે આરોપી ઓળખાઈ ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાગીના વેચવા આવેલા વિજય મુકેશભાઈ સોલંકી અને મુખ્ય આરોપી આકાશ ભીખાભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ પૈકી મુખ્ય આરોપી આકાશ ચૌહાણ (મૂળ યુ.પી., હાલ રાજકોટ ગ્રામ્ય) વિરુદ્ધ UP માં NDPS અને જૂનાગઢમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે, જ્યારે વિજય સોલંકી (રહે. જેતપુર) વિરુદ્ધ 20 થી વધુ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા
આરોપીઓ દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી ડિસમિસ વડે તાળું તોડી ચોરી કરતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ₹3,67,650 નો મુદ્દામાલ (જેમાં 2 સોનાની ચેઈન, 1 મંગળસૂત્રનો ઢાળીયો અને ₹7,650 રોકડા) રિકવર કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અમે જૂનાગઢ સોની એસોસિએશનનો આભાર માનીએ છીએ અને નાગરિકોને વધુમાં વધુ CCTV કેમેરા લગાવવા અપીલ કરીએ છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *