સુરતમાં 24 કલાકમાં વધુ બે હૃદયદ્રાવક આપઘાત:નાના વરાછામાં મિત્ર સાથે પૈસાના વિવાદમાં ધો-10ના વિદ્યાર્થીએ ઝેર પીધું, દેવાથી કંટાળી રત્નકલાકારે ટ્રેન નીચે ઝંપલાવ્યું

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આપઘાતના બે અલગ-અલગ બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. નાના વરાછા વિસ્તારમાં મિત્ર સાથે પૈસાની લેતીદેતીના વિવાદ અને માનસિક તણાવમાં આવી 16 વર્ષીય તરૂણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે અન્ય એક બનાવમાં અશ્વિનીકુમાર રોડ પર રહેતા 38 વર્ષીય રત્નકલાકારે ક્રેડિટ કાર્ડની લોન અને માથે ચડી ગયેલા આર્થિક દેવાના બોજથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. બંનેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે બંને કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રથમ ઘટના: પૈસા બાબતે મિત્ર સાથે થયેલા ઝઘડામાં વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયો
મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બાલાપુર ગામના વતની અને હાલ નાના વરાછાની અમીધારા સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ઢોલરીયા ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે પુત્રો પૈકી નાનો પુત્ર 16 વર્ષીય વિરકુમાર ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. વિરકુમારે ધોરણ-9 સુધીનો અભ્યાસ વતનમાં પૂર્ણ કર્યા બાદ ચારેક મહિના અગાઉ જ સુરત આવ્યો હતો અને ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ, વિરકુમારને તેના મિત્ર સાથે પૈસાની બાબતમાં મોટો ઝઘડો થયો હતો, જે બાબતે તે છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં રહેતો હતો. ગઈકાલે રાત્રે તેણે ઘર નજીક સરદાર સ્કૂલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘરે પહોંચ્યા બાદ તેને અચાનક સતત ઉલટીઓ થતાં પરિવારજનોને બનાવની જાણ થઈ હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ આજે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બીજી ઘટના: લોનના હપ્તા અને હાથઉછીના નાણાં ચૂકવી ન શકતાં રત્નકલાકારનું અંતિમ પગલું
બીજા બનાવમાં, મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલ અશ્વિનીકુમાર રોડ સ્થિત હિંમતનગર સોસાયટીના મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય સાહિલ રમેશભાઈ પરમાર હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેઓ પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. ગઈકાલે બપોરે સાહિલભાઈ ગાયત્રી ખાતે કારખાને કામે જવાનું કહીને બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે ન પહોંચતાં અને ફોન પણ સ્વીચ ઓફ આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન મધ્યરાત્રિએ એ.કે. રોડ ગૌશાળાથી કતારગામ તરફ જતા ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી અશ્વિનીકુમાર પોલીસને એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા પર્સ અને ઓળખપત્રોના આધારે પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, સાહિલભાઈએ ક્રેડિટ કાર્ડ પર બેથી ત્રણ લોન લીધી હતી, ઉપરાંત સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી પણ હાથઉછીના નાણાં લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી અને કામકાજ બરાબર ન ચાલવાને કારણે તેઓ લોનના હપ્તા ભરી શકતા નહોતા અને ઉધારી ચૂકવી શકતા નહોતા. આ આર્થિક સંકડામણથી કંટાળી તેમણે લોકશક્તિ એક્સપ્રેસ સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે અશ્વિનીકુમાર પોલીસે કાયદેસરની તપાસ આદરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *