Ahmedabad : વાહન ચોરી અને સ્નેચિંગમાં કાયદાકીય કાર્યવાહીથી બચવા લુંટેરી ગેંગની નવી ચાલ, સગીરોનો ઉપયોગ

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સોનાની ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓઢવ, નિકોલ, બાપુનગર,કૃષ્ણનગર,અમરાઈવાડી, વટવા અને નારોલ જેવા વિસ્તારોમાં મહિલાઓને નિશાન બનાવી ચેઈન આંચકી ભાગી જવાની ઘટનાઓ વધી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શાતિર ગુનેગારો કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે હવે સગીરોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. મુખ્ય સૂત્રધારો સગીરોને આર્થિક લાલચ, મોંઘા મોબાઈલ કે નશાની ટેવ પૂરી કરવાના બહાને પોતાની ગેંગમાં સામેલ કરતા હોવાની માહિતી સામે આવી છે. પ્રથમ તબક્કે સગીરો પાસે પાકિંગ કે સોસાયટીઓમાંથી ટુ-વ્હીલરની ચોરી કરાવવામાં આવે છે. ત્યારબાદ આ ચોરાઉ વાહનોનો ઉપયોગ કરીને પૂર્વ અમદાવાદના જાહેર માર્ગો અને સોસાયટીઓની બહારથી પસાર થતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ભાગી છૂટે છે. તેમાં પણ ચેઈન સ્નેચિંગ આચરતી ગુનાહિત ગેંગોની એક નવી અને શાતિર મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પકડાઈ જવાના ડરથી સ્નેચર્સ પોતાના કે પોતાના સંબંધીઓના વાહનો વાપરવાના બદલે માત્ર સ્નેચિંગના ગુના આચરવા માટે જ ચોરીના ટુ-વ્હીલરનો અને સગીરોનો ઉપયોગ કરી રહ્યા છે. સગીરો જો ઝડપાઈ પણ જાય તો તેઓ બાળ સંરક્ષણ ગૃહમાં રખાય છે તેઓ થોડા સમયમાં છુટી જાય છે.પોલીસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ, સ્નેચર્સની ગેંગો સૌથી પહેલા ચોક્કસ વિસ્તારોમાંથી પાર્ક કરેલા એક્ટિવા કે મોટરસાઈકલની ચોરી કરે છે. ત્યારબાદ નંબર પ્લેટ વગરના કે બનાવટી નંબર પ્લેટ લગાવેલા આ ચોરાઉ વાહનો પર બેસીને વહેલી સવારે કે સાંજના સમયે એકલદોકલ જતી મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેઈન આંચકી પલાયન થઈ જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *