જાપાનમાં એશિયન ગેમ્સ 2026નો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે એશિયાના અનેક દેશોના હજારો ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે.ભારત પણ મોટી ટીમ સાથે આ સ્પર્ધામાં ઉતર્યું છે.ક્રિકેટમાં ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.જોકે ક્રિકેટ મેદાનની બહાર પણ એક મુદ્દો ચર્ચામાં છે શું એશિયા કપ દરમિયાન સર્જાયેલો મોહસિન નકવી અને ભારતીય ટીમ વચ્ચેનો ટ્રોફી વિવાદ હવે એશિયન ગેમ્સ સુધી પહોંચશે?
BCCIના સચિવે શું કહ્યું
તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને 8મી વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.પરંતુ ત્યારબાદ ટ્રોફી સમારોહ ચર્ચામાં આવ્યો.એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારી નહોતી.આ અગાઉ 2025ના પુરુષ એશિયા કપમાં પણ આવો જ પ્રસંગ બન્યો હતો.BCCIના સચિવ દેવજિત સૈકિયાએ જણાવ્યું હતું કે બોર્ડે અગાઉથી જ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
હવે એશિયન ગેમ્સમાં શું થશે?
એશિયન ગેમ્સ અને એશિયા કપની વ્યવસ્થા અલગ છે. એશિયન ગેમ્સનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એટલે કે OCAના માળખા હેઠળ થાય છે.મેડલ સમારોહમાં કોણ મેડલ આપશે તેનો નિર્ણય OCA અને આયોજકોની વ્યવસ્થા મુજબ થાય છે.તેથી એશિયા કપની જેમ મોહસિન નકવીને જ ભારતીય ખેલાડીઓને મેડલ આપવાની જવાબદારી મળશે એવું નક્કી નથી.આ જ કારણે હાલમાં નકવી ભારતીય ટીમને મેડલ આપશે કે નહીં તે અંગે માત્ર સંભાવના અને ચર્ચા છે,સત્તાવાર નિર્ણય નથી.એશિયન ગેમ્સમાં મેડલ વિતરણ માટે OCAની ભૂમિકા મહત્વની છે.
ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં જીત્યું હતું ગોલ્ડ
2023ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે 2026માં બંને ટીમો ફરી સારા પરિણામની આશા સાથે મેદાનમાં છે.મહિલા ક્રિકેટમાં ભારતે જાપાન સામેની ક્વાર્ટર ફાઇનલમાં 8 વિકેટે જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં શ્રીચરાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્માએ 15 બોલમાં અણનમ 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
મેડલ સ્વીકારવાનો ઇનકાર કરવો સરળ નથી
એશિયન ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ સમારોહ માટે ચોક્કસ નિયમો હોય છે.ખેલાડીઓ પાસેથી સત્તાવાર સમારોહનું પાલન અને મેડલ,ધ્વજ તથા રાષ્ટ્રગાનનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.આથી જો ભવિષ્યમાં મેડલ સમારોહ દરમિયાન કોઈ વિવાદ ઊભો થાય તો તેનો નિર્ણય માત્ર ક્રિકેટ બોર્ડના સ્તરે નહીં, પરંતુ એશિયન ગેમ્સના સત્તાવાર નિયમો અને આયોજકોની પ્રક્રિયા મુજબ લેવાશે.અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ મેડલ જીતે તો સમારોહમાં મેડલ કોણ આપશે તેનો નિર્ણય OCAની વ્યવસ્થા પર રહેશે. મોહસિન નકવીને જ મેડલ આપવાની જવાબદારી મળશે તેવી કોઈ સત્તાવાર જાહેરાત સામે આવી નથી. તેથી એશિયા કપનો વિવાદ એશિયન ગેમ્સમાં પણ એ જ રીતે ફરી જોવા મળશે એવું હાલ કહેવું વહેલું છે.
આ પણ વાંચો – Ajit Agarkarએ અચાનક કેમ છોડ્યું પદ? સોશિયલ મીડિયા પર મોટો દાવો
