West Indies Squads announced : ભારત પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીને મળી તક

📅 Published: September 20, 2026 | 📂 Category: cricket

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ મહિનાના અંતમાં વનડે અને T20I શ્રેણી રમાવાની છે. આ પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પોતાની બંને ટીમોની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ 3 મેચની વનડે શ્રેણી રમાશે અને ત્યારબાદ 5 મેચની T20I શ્રેણી યોજાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. વનડે અને T20I બંને ટીમોની કમાન શાઈ હોપને સોંપવામાં આવી છે.ભારત પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત BCCI દ્વારા અગાઉ જ કરવામાં આવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝે પણ પોતાના ખેલાડીઓની પસંદગી કરી છે.આ ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.

જ્હોન કેમ્પબેલની વનડે ટીમમાં વાપસી

વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમમાં જ્હોન કેમ્પબેલની વાપસી થઈ છે. હેમસ્ટ્રિંગમાં ખેંચાણની ઈજાને કારણે તેઓ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 2 વનડે મેચમાં રમી શક્યા નહોતા. જોકે, હવે ઈજામાંથી સાજા થયા બાદ કેમ્પબેલને ભારત પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.અકીલ ઓગસ્ટસ આ પ્રવાસમાં ટીમનો ભાગ નહીં હોય. ઓગસ્ટમાં સર્જરી કરાવ્યા બાદ તેઓ હાલમાં સંપૂર્ણ સ્વસ્થ થવા પર ધ્યાન આપી રહ્યા છે. તેમના સ્થાને જ્વેલ એન્ડ્ર્યુને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. એન્ડ્ર્યુ ટોપ ઓર્ડર તેમજ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે.

કામિલ પૂરણને પહેલી વખત T20I ટીમમાં સ્થા

વેસ્ટ ઈન્ડિઝની T20I ટીમમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ કામિલ પૂરણનું છે.તોફાની ઓપનર કામિલ પૂરણને પહેલી વખત રાષ્ટ્રીય T20I ટીમમાં સ્થાન મળ્યું છે. 2028ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા અને ઉભરતા ખેલાડીઓને તક આપવાની વેસ્ટ ઈન્ડિઝની યોજના હેઠળ તેમને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.કામિલ પૂરણનું તાજેતરનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. તેણે પોતાની છેલ્લી 8 ઇનિંગ્સમાં 39ની સરેરાશ અને લગભગ 160ના સ્ટ્રાઈક રેટથી 273 રન બનાવ્યા છે. આ પ્રદર્શનના આધારે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળી છે.T20I ટીમમાં આ વર્ષે ભારતમાં રમાયેલા T20 વર્લ્ડ કપની ટીમનો ભાગ રહેલા ક્વેન્ટિન સેમ્પસનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

ભારત સામેની વનડે શ્રેણી માટે ટીમ

શાઈ હોપની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમમાં જ્વેલ એન્ડ્ર્યુ, જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, આમિર જાંગુ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, વિટેલ લોજ, ગુડાકેશ મોતી, કીમો પોલ, શેરફેન રધરફોર્ડ અને જેડન સીલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

T20I ટીમમાં યુવા ખેલાડીઓને તક

T20I ટીમમાં શાઈ હોપ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, શિમરોન હેટમાયર, અકીલ હુસેન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરણ, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ અને શમર સ્પ્રિંગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રવાસ દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. વનડે શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે 5 મેચની T20I શ્રેણી રમાશે. કામિલ પૂરણ જેવા યુવા ખેલાડીઓ માટે આ પ્રવાસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની મોટી તક બની શકે છે.

આ પણ વાંચો – Ajit Agarkar : રોહિતની નારાજગી કે ઈજાનો મુદ્દો? અગરકર-BCCI વચ્ચે કેમ વધ્યું અંતર?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *