Surat: દિહેણ ગામે ગાડી પર પેવર બ્લોકથી હુમલો કરાયો; જીવ બચાવવા ભાગતા અરિયાણા પાસે કાર અકસ્માતમાં નીપજ્યું મોત

📅 Published: September 20, 2026 | 📂 Category: Surat

સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સરોલી ગામના રહીશ અમીષ પટેલના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત મામલે મોટો અને ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તબક્કે અકસ્માત ગણાવાયેલી આ ઘટનામાં પરિવારજનો દ્વારા ઘાતક હુમલાના આક્ષેપો કરાતાં સુરત ગ્રામ્ય પોલીસ વડા દ્વારા તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપવામાં આવી હતી. SOG ની સઘન તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના સાદો અકસ્માત નહીં પરંતુ હુમલા અને પીછો કરવાના કારણે સર્જાયેલી કરૂણાંતિકા હતી.

ઓલપાડના અમીષ પટેલ મોત કેસ

પોલીસ તપાસની વિગતો મુજબ, ગત 12 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે અમીષ પટેલ પીંજરત ગામેથી પોતાના ગામ સારોલી તરફ પોતાની કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન દિહેણ ગામે અજાણ્યા ટોળા દ્વારા તેમની કાર રોકીને તોડફોડ કરવામાં આવી હતી અને પેવર બ્લોક વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘાતકી હુમલા બાદ પોતાનો જીવ બચાવવા માટે અમીષ પટેલે કાર પુરપાટ ઝડપે ચલાવી હતી, પરંતુ હુમલાખોરોએ કાર અને બાઇક પર તેમનો પીછો કર્યો હતો. આ પીછા દરમિયાન અરિયાણા ગામ નજીક અમીષ પટેલની કાર અકસ્માતગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કાર પર પેવર બ્લોકથી હુમલો કરાયો હતો

SOG પોલીસે તપાસ દરમિયાન ઘટનાસ્થળ તેમજ રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને સ્થાનિક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. આ ઉપરાંત મૃતક અમીષ પટેલના મોબાઈલ ફોનમાંથી મહત્વની ફોન કોલ ક્લિપ મળી આવી હતી, જેણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.આ તમામ પુરાવાઓના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (સાઅપરાધ મનુષ્યવધ) તેમજ રાયોટિંગ અને ગેરકાયદેસર મંડળી રચવા સહિતની ગંભીર કલમોનો ઉમેરો કર્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા મુખ્ય 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બનાવ પાછળના મુખ્ય કારણ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat News : હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, સુરતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *