રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે રવિવારે મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં સેંકડો ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોનાં મોત થયાં. તેમાં 44 વર્ષની એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, રાજધાનીની એક મોટી ઓઈલ રિફાઈનરીને પણ નુકસાન થયું છે. હાલમાં રિફાઈનરીમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. મેયરે જણાવ્યું કે શનિવારથી રશિયાએ 1600થી વધુ ડ્રોન તોડી પાડ્યાં છે. તેમાં આશરે 450 ડ્રોન મોસ્કો તરફ આગળ વધી રહ્યાં હતાં. એક ડ્રોન 21 માળની ઇમારત સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. ત્યારબાદ આશરે 400 લોકોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમાં 70 બાળકોનો પણ સમાવેશ થાય છે. રશિયામાં યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ સંસદીય ચૂંટણી રશિયામાં શુક્રવારથી સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના સંપૂર્ણ પાયે હુમલા બાદ આ પ્રથમ સંસદીય ચૂંટણી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ચૂંટણીને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકો માટે જનતાના સમર્થનની કસોટી તરીકે રજૂ કરી છે. રશિયા ચૂંટણીનાં પરિણામોને પુતિનની નીતિઓ અને યુક્રેન યુદ્ધ માટેના સમર્થન તરીકે રજૂ કરી શકે છે. રશિયાએ ચૂંટણીમાં યુક્રેનની દખલગીરીનો આરોપ લગાવ્યો
રશિયન અધિકારીઓએ ચૂંટણી પ્રક્રિયામાં યુક્રેનની દખલગીરીનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોસ્કોની ઑનલાઇન મતદાન પ્રણાલી પર સાયબર હુમલો થયો હતો. જોકે, આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ યુક્રેન પર ચૂંટણીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રશિયાના નિયંત્રણ હેઠળના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં એક ચૂંટણી અધિકારીના ઘર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો. પુતિનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અધિકારી એલેના અસ્તાનિનાનું મોત થયું. જોકે, રોયટર્સના જણાવ્યા મુજબ આ દાવાની પણ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. મોટાભાગના યુદ્ધવિરોધી ઉમેદવારો ચૂંટણી લડી શક્યા નહીં રોયટર્સના અહેવાલ મુજબ, રશિયામાં મોટાભાગના એવા લોકોને ચૂંટણી લડવા દેવામાં આવ્યા નથી, જેઓ યુક્રેન યુદ્ધના વિરોધમાં છે. યાબ્લોકો પાર્ટીના માત્ર કેટલાક ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે યુદ્ધ વિરુદ્ધ બોલવા બદલ તેમને સરકારની કાર્યવાહીનો ડર છે. રશિયામાં સેના વિરુદ્ધ બોલવા અથવા સરકારની નજરમાં ખોટા સમાચાર ફેલાવવા બદલ જેલ થઈ શકે છે. યાબ્લોકો પાર્ટીના નેતા નિકોલાઈ રિબાકોવે વિરોધ નોંધાવ્યો. તેમણે બેલેટ પર પોતાની પાર્ટીનું નામ લખી દીધું. ચૂંટણીનું પરિણામ રાષ્ટ્રપતિ પુતિન માટે મહત્વપૂર્ણ રોયટર્સના જણાવ્યા મુજબ, રશિયાની સત્તારૂઢ યુનાઇટેડ રશિયા પાર્ટી સંસદમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે તેવી આશા છે. જોકે, યુક્રેન યુદ્ધને કારણે વધતી મોંઘવારી અને આર્થિક દબાણનો લાભ કેટલીક વિપક્ષી પાર્ટીઓને મળી શકે છે. બર્લિન સ્થિત NEST થિંક ટેન્કના જણાવ્યા મુજબ, કમ્યુનિસ્ટ પાર્ટી અને ન્યૂ પીપલ્સ પાર્ટીને સત્તાપક્ષ વિરુદ્ધ જતા કેટલાક મત મળી શકે છે. જોકે, બંને પાર્ટીઓએ ઘણા મોટા મુદ્દાઓ પર યુનાઇટેડ રશિયાનું સમર્થન કર્યું છે. પુતિને ચૂંટણી પહેલાં ટીવી પર દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે લોકોનો મત યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થનને દર્શાવશે.
ચૂંટણીના છેલ્લા દિવસે રશિયા ધણધણી ઊઠ્યું:યુક્રેને હજારો ડ્રોન છોડ્યા, ઓઇલ રિફાઇનરી અને ઇમારતો સળગી, 2નાં મોત; 1600 ડ્રોન તોડી પડાયા છતાં મોસ્કોમાં અફરાતફરી
📅 Published: September 20, 2026 |
📂 Category: International
