Mohammed Sirajને મળી મોટી જવાબદારી, વેસ્ટ ઈન્ડિઝ બાદ હૈદરાબાદની કમાન સંભાળશે

📅 Published: September 20, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આગામી રણજી ટ્રોફી સિઝન માટે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને સિરાજને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, સિરાજ હાલમાં ભારતીય ટીમ સાથે વ્યસ્ત હોવાથી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી પૂરી થયા બાદ જ હૈદરાબાદની ટીમ સાથે જોડાશે.સિરાજ 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 3 મેચની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. આ શ્રેણીની છેલ્લી મેચ 3 ઓક્ટોબરે ન્યૂ ચંડીગઢમાં રમાશે. ત્યારબાદ સિરાજ હૈદરાબાદની ટીમ સાથે જોડાઈને રણજી ટ્રોફીની શરૂઆતની 2 મેચમાં ટીમની કમાન સંભાળશે.

પ્રથમ 2 મેચમાં સિરાજ કરશે કેપ્ટનશિપ

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર મોહમ્મદ સિરાજને આગામી રણજી ટ્રોફી સિઝન માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.જો સિરાજ કોઈ કારણસર ઉપલબ્ધ નહીં હોય તો ઉપકપ્તાન સીવી મિલિંદ ટીમની કમાન સંભાળશે.હૈદરાબાદની રણજી ટ્રોફી સિઝનની પ્રથમ મેચ 11 ઓક્ટોબરે ત્રિપુરા સામે રમાવાની છે. આ મેચ માટે સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ત્યારબાદ 18 ઓક્ટોબરે હૈદરાબાદની ટીમ વિઝિયાનગરમમાં આંધ્ર સામે બીજી મેચ રમશે.આ બંને મેચમાં સિરાજ ટીમની આગેવાની કરે તેવી શક્યતા છે. જોકે, ત્યારબાદ ભારતીય ટીમના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે તેમની રણજી ટ્રોફીમાં હાજરી મર્યાદિત રહી શકે છે.

હૈદરાબાદની ટીમમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ

રણજી ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી હૈદરાબાદની 15 સભ્યોની ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓને સ્થાન મળ્યું છે. તન્મય અગ્રવાલ, રાહુલ સિંહ અને વિકેટકીપર રાહુલ રાદેશ જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.આ ઉપરાંત સાઈ પ્રજ્ઞય રેડ્ડી, તનાય ત્યાગરાજન, અનિકેત રેડ્ડી અને અજય દેવ ગૌડ જેવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં સિરાજને મળશે 2 મેચ

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ શરૂ થશે. આ પ્રવાસમાં 22 ઓક્ટોબરથી 5 મેચની T20I શ્રેણી રમાવાની છે. ત્યારબાદ ભારતને વનડે અને ટેસ્ટ શ્રેણીમાં પણ રમવાનું છે.સિરાજ T20I ટીમમાં પસંદ થાય તેવી શક્યતા ઓછી હોવા છતાં તે વનડે અને ટેસ્ટ ટીમનો ભાગ બની શકે છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં તેમને ભારતીય ટીમ સાથે જોડાવું પડશે.આ કારણે સિરાજને શરૂઆતની માત્ર 2 રણજી મેચ રમવાની તક મળે તેવી સ્થિતિ છે. આ બંને મેચમાં હૈદરાબાદની કેપ્ટનશિપ કરવી તેમના માટે સ્થાનિક ક્રિકેટમાં નેતૃત્વની નવી જવાબદારી રહેશે.

પ્રથમ 2 રણજી મેચ માટે હૈદરાબાદની ટીમ

મોહમ્મદ સિરાજ – કેપ્ટન, સીવી મિલિંદ – ઉપકપ્તાન, તન્મય અગ્રવાલ, એમ અભિરાથ રેડ્ડી, રાહુલ સિંહ, કે હિમા તેજા, રાહુલ રાદેશ (વિકેટકીપર), સાઈ પ્રજ્ઞય રેડ્ડી,વરુણ ગૌડ, તનાય ત્યાગરાજન, અનિકેત રેડ્ડી, સીએલટી રક્ષણ રેડ્ડી, અજય દેવ ગૌડ, રુથિક યાદવ મેંદે અને સાઈ વિકાસ રેડ્ડી.

આ પણ વાંચો – Varun Sanyal એશિયન ગેમ્સમાંથી બહાર,સામે આવ્યું મોટું કારણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *