ભાવનગરના ડેરી રોડ પર આવેલ ‘મહાદેવ પાન પાર્લર’ના માલિક પર પાનના રૂ.25 આપવા બાબતે માથાકૂટ કરી એક શખ્સે કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં દુકાનદારે શખ્સ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ‘પાનના રૂ.25 કેમ લ્યો છો’
આ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સ્નેહ સાગર એપાર્ટમેન્ટ વિજયબાગ સોસાયટી, દેવુબાગ ખાતે રહેતા અને ડેરી રોડ પર મહાદેવ પાન પાર્લર ચલાવતા ઉદય ભરતભાઈ વ્યાસના પિતાજી ગત 19 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાડા દસેક વાગ્યે દુકાને બેઠા હતા. આ સમયે વિજયરાજનગરની શેરી નં.5 માં રહેતો યોગીરાજસિંહ નનકુભા ગોહીલ નામનો શખ્સ દુકાને આવ્યો હતો અને “પાનના 25 રૂપિયા કેમ લ્યો છો?” તેમ કહી ગાળો બોલી માથાકૂટ કરવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતાં કુહાડીનો ઘા ઝીંક્યો
આ અંગે તેના પિતાજીએ ફોન કરતાં ઉદય તુરંત દુકાને પહોંચ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતાં યોગીરાજસિંહે “હું તમને જોઈ લઈશ” કહી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં આ શખ્સ હાથમાં કુહાડી લઈ પરત આવ્યો હતો અને પિતા-પુત્ર બંનેને ગાળો આપવા લાગ્યો હતો. ઉદયે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા યોગીરાજસિંહે કુહાડીનો ઘા ઝીંક્યો હતો. જોકે, ઉદયભાઈ સાઈડમાં ખસી જતાં કુહાડીનો પાછળનો લાકડાનો હાથો આંખ નીચે ગાલના ભાગે વાગતાં તેમને મૂઢ ઈજા પહોંચી હતી. ‘આ વખતે બચી ગયો, હવે ધ્યાન રાખજે નહિતર મારી નાખીશ’
આ માથાકૂટ જોઈ નજીકમાંથી મિત્રો દોડી આવ્યા હતા અને વચ્ચે પડી હુમલાખોર પાસેથી કુહાડી આંચકી લીધી હતી. આથી, યોગીરાજસિંહ “આ વખતે બચી ગયા છો, હવે ધ્યાન રાખજો નહિતર જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત ઉદયને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે આ અંગે હુમલાખોર યોગીરાજસિંહ નનકુભા ગોહિલ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
'પાનના રૂ.25 કેમ લ્યો છો'કહીને દુકાનદાર પર કુહાડીથી હુમલો:ડેરી રોડ પર મારી નાખવાની ધમકી આપી શખ્સ ફરાર, ફરિયાદ નોંધાઈ
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
