એક વર્ષ પહેલા અમદાવાદ પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરી હતી. જોકે દાણીલીમડામાં આવેલી પીરાણા ડમ્પીંગ સાઈટ પર કેટલાક બાંગ્લાદેશીઓ આવતાં હોવાનું સામે આવ્યું છે. કચરો વિણવા માટે આવનાર બાંગ્લાદેશીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પર પણ હુમલા કરતાં હોવાનો ગંભીર આરોપ એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે કર્યો છે. પીરાણાના ડુંગર પર કચરો વીણવા માટે આવા અસામાજિક તત્વો ન પ્રવેશે તેના માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. ‘કમિશનરે જવાબ આપ્યો-અમે કોઈપણ વ્યક્તિને જવા નથી દેતા ‘
ભાજપના ધારાસભ્ય અમિત શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીરાણા ડમ્પીંગ સાઈટ પર કચરો વીણવા માટે કેટલાક બાંગ્લાદેશીઓ આવે છે અને કોર્પોરેશનના કર્મચારીને માર મારે છે એક કર્મચારી મારી ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યો હતો. જે બાદ મેં સંકલન સમિતિમાં આ બાબતે કમિશનરને રજૂઆત કરી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી પીરાણા ડમ્પીંગ સાઈટ પર અમે કોઈપણ વ્યક્તિને જવા નથી દેતા એવો જવાબ મળ્યો હતો. જોકે ડમ્પિંગ સાઈટ ઉપર લોકો કચરો વીણવા જાય છે તેના વીડિયો મ્યુનિસિપલ કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટરને મેં મોકલી આપ્યા હતા. ‘બાંગ્લાદેશીઓ આસપાસમાં ગેરકાયદેસર રહે છે’
‘જો કોઈપણ વ્યક્તિને પીરાણા ડમ્પીંગ સાઈડ ઉપર પ્રવેશ આપવામાં નથી આવતો તો કેવી રીતે સાઈટ ઉપર આ લોકો જાય છે. મોટાભાગના કચરો વીણવા વાળા બાંગ્લાદેશીઓ છે અને આસપાસમાં ત્યાં ગેરકાયદેસર રહે છે. કોર્પોરેશનના કર્મચારીઓને આ રીતે માર માર અને દાદાગીરી કરે તે ચલાવી લેવાય નહીં તેથી આ મામલે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી અને મૌખિક પણ જાણકારી છે.’ ‘બાંગ્લાદેશીઓ કચરો વીણવા આવીને દાદાગીરી કરે છે’
પીરાણા ડમ્પીંગ સાઈટના મોટર મજૂર કાદરી આબિદ અલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી ઉપર કચરો વીણવા આવનારા લોકોએ હુમલો કર્યો હતો. બાંગ્લાદેશીઓ દિવસ રાત કચરો વીણવા માટે ડમ્પીંગ સાઈટ ઉપર આવી જાય છે અને દાદાગીરી કરતા હોય છે. મેં જ્યારે આ બાબતે તેમને રોક્યા ત્યારે તેઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પીરાણા ડમ્પ સાઇટની પાછળ બોમ્બે હોટલ અને આગળ બંને તરફથી આવે છે અને મોટાભાગના કચરો વીણનારા બાંગ્લાદેશીઓ જ છે. કેટલાક લોકો દાણીલીમડા આસપાસ વટવા અને ગણેશનગર વિસ્તારમાં રહેતા હોય છે. વાહનમાંથી કચરો ઠલવાય કે તરત જ તેઓ પડાપડી કરે
શહેરની સૌથી મોટી ડમ્પિંગ સાઈટ નારોલ- નરોડા હાઇવે નજીક પીરાણા પાસે આવેલી છે. ડમ્પિંગ સાઈટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનનું કચરાનું વાહન કચરો ઠાલવવા માટે વાહન આવે તે સાથે જ મોટી સંખ્યામાં કચરો વિણનાર લોકો એકઠા થઇ જાય છે. કચરો ઠલવતાં વાહનને તેઓ જોખમી રીતે ઘેરી લે છે. વાહનમાંથી કચરો ઠલવાય કે તરત જ તેઓ પડાપડી કરે છે. ઉંચાઇથી પડી જવાની પણ શક્યતા હોય છે. જે લોકો કચરો વીણવા માટે આવે છે તેઓ બાંગ્લાદેશી હોવાની શક્યતા છે. સોલિડ વેસ્ટ વિભાગનો પોલીસ કમિશનરને પત્ર
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પણ શહેર પોલીસ કમિશનર અને ઝોન 6 ડીસીપીને પત્ર લખી ડમ્પીંગ સાઈડ પર કચરો વીણવા આવતા લોકોને રોકવા માટે જાણ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું રોજનો કચરો સાફ કરી ડમ્પીંગ યાર્ડમાં ખાલી કરવામાં આવે છે તથા અત્યારે યુદ્ધના ધોરણે ચાલતી કામગીરીમાં વર્ષો જૂના કચરાના ઢગલાઓને ઉપરથી પાડી સાફ કરવામાં આવે છે. અમુક વખતે કચરાની ભેખડ પડવાનું પણ જોખમ રહેલું હોય છે. 400 લોકો કચરો વીણવાનું કામ કરે છે
આ બધી કામગીરીમાં બુલડોઝર, હીટાચી મશીન, જે.સી.બી. મશીન તથા અસંખ્ય આઈવા ગાડી, ટ્રકો, હુક લોડર મશીનોની મદદથી કામગીરી કરવામાં આવે છે તે એરીયામાં પબ્લીક માટે પ્રતિબંધ હોવા છતાં અહીંયા રોજ 300થી 400 લોકો અહીંયા આવી કચરો વીણવાનું કામ કરે છે ઘણી વખત અકસ્માતનો ભય હોવાથી તેમને રોજ ભગાડવામાં આવે છે. પરંતુ તેઓ બળજબરીથી આવી કર્મચારીઓ સાથે જીભાજોડી કરી, મારામારી પણ કરે છે. આ લોકોને તાત્કાલિક વીણવાનું બંધ કરાવાની માગ
અહીંયા કચરો વીણવા આવતા લોકોમાં નાના બાળકો, મહિલાઓ પણ હોય છે. આ બધા પોતાના ટુ-વ્હીલર, રીક્ષાઓ, લોડીંગ રીક્ષાઓ લઈને આવતા હોય છે તેના લીધે અકસ્માતનો ભય ઘણા અકસ્માત અહીં થયા છે તેથી તે રોકવા માટે આ લોકોને તાત્કાલિક તમારા સાથ અને સહકારથી બંધ કરવા જાણ કરીએ છીએ. પોલીસને બેથી ત્રણ વખત રજૂઆત છતાં કાર્યવાહી નહીં?
શહેર પોલીસ કમિશનર અને ડીસીપીને પત્ર લખવામાં આવ્યા બાદ પણ ડમ્પિંગ સાઈટ પરથી કચરો વીણવા આવનારા લોકોને દૂર કરવામાં શહેર પોલીસ દ્વારા સહયોગ ન આપવામાં આવ્યો નથી. ડમ્પીંગ સાઈડ ઉપર મોડી રાત્રે અસામાજિક તત્વો આવી જતા હોય છે અને જુગાર પણ રમતા હોય છે તેમ જ આ સાઇટ પર જે મશીનરી રાખવામાં આવી છે, તેમાંથી ચોરીના બનાવો પણ અગાઉ બની ચૂક્યા છે. પોલીસને બેથી ત્રણ વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન થઈ ત્યારબાદ છેવટે ભાજપના ધારાસભ્ય સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેથી ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે જાણ કરી છે. થોડા સમય પહેલા AMCના કર્મચારીને માર્યો હતો
પીરાણાની ડમ્પીંગ સાઈટ પર આ કચરો વિણનાર લોકો તેમના કામમાં અડચણ કરનાર સામે હુમલો કરતાં પણ અચકાતા નથી. થોડા સમય પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એક કર્મચારી પર આવા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે કર્મચારીને માર મારવામાં આવ્યો હતો તેના હાથમાં ફેક્ચર થયું હતું. ડમ્પીંગ સાઈટ ઉપર આવા બહારથી કચરો વીણવા આવનારા લોકોથી કર્મચારીઓનું અને તેઓનું પણ જીવનું જોખમ રહેલું છે ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલા લેવા તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
પીરાણા ડમ્પીંગ સાઈટ પર બાંગ્લાદેશીઓની અવરજવર, ભાજપના MLAની કમિશનરને રજૂઆત:કચરો વીણવા આવી કર્મચારીઓને માર મારવાનો આરોપ, સખત પગલા લેવા માગ
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
