Valsad :માં તંત્રનું અંધેર : ઔરંગા કિનારે શ્રીજીની મૂર્તિઓનું અંધારામાં વિસર્જન

📅 Published: September 20, 2026 | 📂 Category: Valsad

વલસાડના કૈલાસ રોડ પાસે ઔરંગા નદીમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આયોજકોની મળેલી બેઠકમાં આ સ્થળે ફ્લડ લાઈટ સહિત વાહનોની સરસાઈથી અવરજવર કરવા માટે હંગામી રસ્તો બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે, તે પછી પણ તંત્ર દ્વારા લાઈટ ચાલુ નહીં કરાતા આશરે 10થી 15 આયોજકોએ શ્રીજીની મૂર્તિઓનું અંધારામાં વિસર્જન કરવાની ફરજ પડી હતી.

વલસાડમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરતા આયોજકો શહેરના મધ્યમાં આવેલા આઝાદ ચોક ખાતે એકત્ર થાય છે જે બાદ વિસર્જન યાત્રા એમ.જી. રોડ, રામજી ટેકરા, મોટા બજાર ફૂલ ગલી થઈને તરિયાવાડ ત્રણ રસ્તા બંદર રોડ થઈને ઔરંગા નદીના કિનારે પૂર્ણ થાય છે. આ ઉપરાંત અબ્રામા વિસ્તારના આયોજકો વાંકી નદીના કિનારે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરે છે. વલસાડ પાલિકા દ્વારા આ બંને સ્થળોએ હંગામી રસ્તા અને ફ્લડ લાઈટ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વલસાડના મોગરાવાડી, પારડી સાંઢપોર, ધમડાચી અને સુંદલાવ વિસ્તારના આયોજકો શ્રીજીની મૂર્તિઓનું કૈલાસ રોડ સ્થિત ઔરંગા નદીના કિનારે વિસર્જન કરે છે. વલસાડ પ્રાંત અધિકારી, વલસાડ તાલુકા મામલતદાર અને ડી.વાય.એસ.પી.ના અધ્યક્ષ સ્થાને અને ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને આયોજકો, ડી.જે. સંચાલકો અને એકતા સમિતિના સભ્યો સાથે મળેલી બંને બેઠકોમાં આયોજકોએ કૈલાસ રોડની ઔરંગા નદીના કિનારે વાહનોની અવરજવર માટે હંગામી રસ્તો બનાવવા અને ફ્લડ લાઈટની વ્યવસ્થા ગોઠવવાની રજૂઆત કરી હતી. જે બાદ વહીવટી તંત્ર દ્વારા કૈલાસ રોડની ઔરંગા નદીના વિસર્જન સ્થળે માટીના થર પાથરી તેના પર ઝીણી કપચી નાખી માત્ર લીપાપોતી કરાઈ હતી. શનિવારે ઔરંગા નદી કિનારે ફિટ કરવામાં આવેલી ફ્લડ લાઈટ ચાલુ નહિ કરાતા, તંત્રની ગંભીર બેદરકારી સપાટી પર આવી છે.

આ સાથે જ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવા આવેલ 10થી 15 આયોજકોએ મૂર્તિઓનું ઘોર અંધારામાં વિસર્જન કરવાની ફરજ પડી હતી. દરમિયાન કેટલાક વાહનોની ફલેશ લાઈટનો સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *