6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશન બનવાની શક્યતા, કચ્છ-સૌરાષ્ટ્રમાં 22 ટકા વરસાદની ઘટ વચ્ચે બેથી ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય

📅 Published: September 21, 2026 | 📂 Category: gujarati-news

આગામી 6 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, અરબી સમુદ્ર અને મધ્ય પ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ 24 સપ્ટેમ્બર પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે અને હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની અપેક્ષા છે. ‘2-3 દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાંથી વિદાયની શરૂઆત કરશે’
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાંથી પણ બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે. જો કે કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ 22 ટકા વરસાદની ઘટ છે. બંગાળની ખાડીમાં હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગની આગાહી અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર આંદામાન સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ યથાવત છે. તેની પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધવાની અને ક્રમશઃ તીવ્ર બનીને 21 સપ્ટેમ્બર એટલે કે આજે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ‘ડિપ્રેશન’માં તથા 22મી સપ્ટેમ્બરે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ‘ડીપ ડિપ્રેશન’માં ફેરવાવાની પ્રબળ શક્યતા છે. પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધવાનું ચાલુ રાખીને, 23 સપ્ટેમ્બરની સવારની આસપાસ તે ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારા નજીક પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા બંગાળની ખાડીના વિસ્તારમાં પહોંચી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *