Anand: ગણેશ મહોત્સવમાં હરખની હેલી બાદ મુર્તિ વિસર્જનમાં બેદરકારીથી નારાજગી

📅 Published: September 21, 2026 | 📂 Category: Anand

આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ-2026 નિમિત્તે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર 5.0 અભિયાન અંતર્ગત ખંભાતના દરિયા કિનારે આર.પી. આર્ટસ, કે.બી. કોમર્સ અને બી.સી.જે. સાયન્સ કોલેજ, ખંભાતના NSS સ્વયંસેવકો દ્વારા સફાઈ તથા જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. હાલ ગણેશ પર્વ ચાલી રહ્યું છે ત્યારે અનેક શ્રાદ્ધાળુઓ પોતાની આસ્થા અને શક્તિ અનુસાર દોઢ, અઢી, પાંચ, સાત કે દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી ભક્તિ, આરાધના, ધ્યાન, કીર્તન, પૂજા-અર્ચના કરતા હોય છે. પરંતુ ગણેશજીના વિસર્જન સમયે કેટલાક લોકો નદી, નાળા, સરોવર કે દરિયાકાંઠે મૂર્તિઓને યોગ્ય રીતે વિસર્જિત કરવાને બદલે જેમતેમ મૂકી દેતા હોવાથી ત્યારબાદ આ મૂર્તિઓની દયનીય હાલત જોવા મળે છે.

ગણેશજી પ્રત્યેની શ્રાદ્ધા જળવાઈ રહે અને દરિયાકાંઠાની સ્વચ્છતા પણ જળવાય તેવા સંદેશ સાથે NSSના વિદ્યાર્થીઓએ દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ દરમિયાન દરિયા કિનારે પડેલી પ્લાસ્ટિક સહિતની ગંદકી એકત્રિત કરવાની સાથે અનેક ગણેશજીની મૂર્તિઓ પણ મળી આવી હતી. વિદ્યાર્થીઓએ આ મૂર્તિઓને આદરપૂર્વક એકત્રિત કરી પાણીમાં યોગ્ય સ્થાને પહોંચાડી વિસર્જનની પ્રક્રિયાને યોગ્ય દિશા આપી હતી. ગણેશજીની આરાધના બાદ તેમની પ્રતિમાની આવી દયનીય સ્થિતિ ન સર્જાય તે માટે શ્રાદ્ધાળુઓએ પણ વિસર્જન અંગે જવાબદારીપૂર્વકની રીત અપનાવવી જોઈએ તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો હતો. સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર 5.0નો મુખ્ય હેતુ દરિયાકાંઠાની સ્વચ્છતા, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો છે. NSS સ્વયંસેવકોએ દરિયાકાંઠાની સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા દરિયાઈ જૈવવિવિધતાનું રક્ષણ કરવા શપથ લીધો અને જનજાગૃતિ રેલી યોજી હતી. ગુજરાતમાં આ બીચ ક્લીનલિનેસ ડ્રાઇવનું સંકલન વિજ્ઞાન ગુર્જરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ગુર્જરીના સચિવ જીગ્નેશ બોરીસાગર, ડો. આસ્તિક ધાંધિયા તથા કોલેજના આચાર્ય જગદીશ ચૌહાણ, NSS પ્રોગ્રામ ઓફ્સિર ડો. ગોપાલ રાઓલ, ડો. સરફરાજ મનસુરી અને પ્રા. સૃષ્ટિ ગામીતના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. છાત્રોની આ કામગીરીએ ભક્તિ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *