સાબરકાંઠાના ઇડર તાલુકાના જાદર ગામમાં પ્રાચીન મુઘણેશ્વર મહાદેવ મંદિરે આજથી ત્રણ દિવસીય મેળાની શરૂઆત થઈ છે. મેળાને કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન મુઘણેશ્વર મહાદેવના દર્શન અને પૂજા માટે આવી રહ્યા છે. ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રણ દિવસનો મુઘણેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. મેળા દરમિયાન મંદિરમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન, પૂજા અને પ્રસાદ સહિતની વ્યવસ્થા કરાઈ છે. આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી પણ ભક્તો મેળામાં ભાગ લેવા આવે છે. સોમવારે વહેલી સવારથી જ ભક્તોની મુઘણેશ્વર દાદાના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ભક્તો શ્રીફળ વધેરીને પોતાની માનતા પૂરી કરે છે. અહીં ત્રણ દિવસમાં લાખો શ્રીફળ વધેરવામાં આવે છે. સ્થાનિક લોકોમાં પ્રચલિત માન્યતા મુજબ, જાદર ગામનું મુઘણેશ્વર મહાદેવ મંદિર ઘણા સમયથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ જગ્યાએ ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું મનાય છે. સ્થાનિક શ્રદ્ધા અનુસાર, અહીં સાચા મનથી મહાદેવની પૂજા કરનાર ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. અહીં સર્પદંશનો પણ ઉતાર કરવામાં આવે છે. મંદિરના જૂના ઇતિહાસ અને ભગવાન શિવ સાથે જોડાયેલી ઘણી લોકવાયકાઓને કારણે મુઘણેશ્વર મહાદેવ પ્રત્યે આસપાસના ગામના લોકોમાં ખાસ શ્રદ્ધા છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ યોજાતો આ ત્રણ દિવસીય મેળો ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિનું પણ એક મહત્વનું કેન્દ્ર બન્યો છે. ત્રણ દિવસ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે મેળો ભરાશે અને છેલ્લા દિવસે અલગ અલગ ધાર્મિક વિધિઓ સાથે મેળો પૂરો થશે. વેસ્ટર્ન રેલવે દ્વારા ભાદરવી મેળા માટે સ્પેશિયલ મેમુ ટ્રેન અસારવાથી ખેડબ્રહ્મા સુધી શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ મેમુ ટ્રેન અસારવા, નરોડા, તલોદ, પ્રાંતિજ, જાદર, ઇડર, વડાલી સ્ટેશન થઈને ખેડબ્રહ્મા પહોંચશે. જાદર સ્ટેશન પર આ મેમુ ટ્રેન સવારે 11:11 મિનિટે આવશે અને ખેડબ્રહ્મા તરફ જશે. જ્યારે ખેડબ્રહ્માથી અસારવા તરફ જતી મેમુ ટ્રેન સાંજે 4:05 મિનિટે આવશે. ટ્રેન નંબર 09405 (અસારવાથી ખેડબ્રહ્મા તરફ) કેટલા વાગ્યે કઈ જગ્યાએ પહોંચશે ટ્રેન નંબર 09406 (ખેડબ્રહ્માથી અસારવા તરફ) કેટલા વાગ્યે કઈ જગ્યાએ પહોંચશે
જાદરના મુઘણેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ:ભોળાનાથના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી, સ્પેશિયલ મેમુ ટ્રેન પણ શરૂ કરાઈ
📅 Published: September 21, 2026 |
📂 Category: gujarati-news
