સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય હાઇટેક પહેલ હાથ ધરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના બે મહત્વના વિભાગોપેથોલોજી અને માઇક્રોબાયોલોજીના વિવિધ લેબોરેટરી રિપોર્ટ હવે દર્દીઓને તેમના મોબાઈલ પર સીધા વોટ્સએપ મારફતે મળી રહે તેવી સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ બાદ આવી ડિજિટલ સુવિધા શરૂ કરનાર સુરત રાજ્યનું બીજું શહેર બની જશે. કેસ કઢાવતી વખતે નોંધાવેલા વોટ્સએપ નંબર પર પીડીએફ મળશે
આ નવી વ્યવસ્થા મુજબ, જે દર્દીઓ પાસે સ્માર્ટફોન છે તેમને આ સુવિધાનો સીધો લાભ મળશે. દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે કેસ કઢાવશે, ત્યારે તેમણે પોતાનો વોટ્સએપ ચાલુ હોય તેવો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. ટેસ્ટ કરાવ્યા બાદ લેબોરેટરીમાંથી રિપોર્ટ તૈયાર થતાં જ દર્દીના નોંધાયેલા વોટ્સએપ નંબર પર રિપોર્ટ સીધો મોકલી દેવામાં આવશે. સીબીસી, હિમોગ્લોબિન, મેલેરિયા સહિતના રિપોર્ટ ઘરબેઠાં મળશે
પેથોલોજી અને માઇક્રોબાયોલોજી વિભાગ હેઠળ આવતા તમામ મહત્વના ટેસ્ટ જેવા કે સીબીસી (CBC), હિમોગ્લોબિન, મેલેરિયા સહિતના વિવિધ પ્રકારના રિપોર્ટ ઓનલાઈન વોટ્સએપ પર મોકલવામાં આવશે. આ સિસ્ટમને કારણે દર્દીઓના રિપોર્ટ ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના સુધી પહોંચી શકશે. રિપોર્ટ લેવા માટે હોસ્પિટલના ધક્કા અને લાઈનોમાંથી મુક્તિ
સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને બતાવ્યા અને ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ લેવા માટે દર્દી કે તેના પરિવારજનોએ ફરીથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અથવા બીજે દિવસે ધક્કો ખાવો પડતો હતો. હવે દર્દીઓએ માત્ર રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ આવવું નહીં પડે. દર્દીઓ ઘરે બેઠા જ રિપોર્ટ મેળવીને પોતાના નજીકના ફેમિલી ડોક્ટર કે અન્ય તબીબોને પણ મોબાઈલ મારફતે રિપોર્ટ બતાવીને તાત્કાલિક સારવાર શરૂ કરી શકશે.
સુરત નવી સિવિલની હાઇટેક પહેલ:પેથોલોજી-માઇક્રોબાયોલોજી વિભાગના ટેસ્ટ રિપોર્ટ હવે દર્દીઓને વોટ્સએપમાં મળશે; હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે
📅 Published: September 21, 2026 |
📂 Category: gujarati-news
