રમત પ્રત્યેની ઘેલછા

📅 Published: September 21, 2026 | 📂 Category: Nari

એક સામાન્ય પરિવારનો મયંક એનાં માતા-પિતા સાથે બાળપણ સરસ રીતે માણી રહ્યો હતો. મયંકની ઉંમર માંડ દસ વર્ષની જ હતી. રોજિંદા નિત્યક્રમ પ્રમાણે શાળાનું લેશન પતાવીને ફૂટબોલ રમવા માટે ગયો હતો, પરંતુ રમતાં રમતાં અચાનક હાંફ ચડવા લાગ્યો. તે ગભરાઈ ગયો અને ઘરે આવીને તેના પપ્પાને વાત કરી. પપ્પાએ તેને સમજાવ્યું કે બેટા ચિંતા ન કર આ તો સામાન્ય છે. જો આવું ફરી થાય તો આપણે ડૉક્ટરને બતાવીશું.   

મયંક પપ્પાની વાત સાંભળીને શાંત થઈ ગયો, પણ એનું મન વારંવાર ચિંતિત હતું કે જો મને કોઈ ગંભીર બીમારી હશે તો મારું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું સપનું અધૂરું રહી જશે. આવું બે-ચાર વખત થયું, પણ એનાં માતા-પિતાએ કહ્યું કે બેટા તું ચિંતા ન કર. તું અત્યારે આરામ કર, ફરી તને રમવામાં તકલીફ પડે તો ડૉક્ટરને બતાવીશું. મયંક બીજા દિવસે સાંજે નિત્યક્રમ પ્રમાણે રમવા ગયો. ફરી પાછો હાંફ ચડી ગયો અને મેદાન પર ઢળી પડ્યો. ત્યારબાદ તરત જ તેના સાથીમિત્રો તેને હોસ્પિટલમાં લઈ ગયા. તેનાં માતા-પિતા પણ ત્યાં દોડી આવ્યાં. થોડા સમય પછી ડોક્ટરે આવીને કહ્યું કે મયંકનો ફુલ બોડી રિપોર્ટ કઢાવવો પડશે. અત્યારે તો મયંક ભાનમાં આવી ગયો છે, પણ તેને અમારી દેખરેખમાં રાખવો પડશે. રિપોર્ટ પછી આગળની સારવાર કરવામાં આવશે. બીજા દિવસે રિપોર્ટ આવી ગયા હતા. ડોક્ટરે મયંકના પિતાને બોલાવીને મયંકના રિપોર્ટ વિશે વિગતવાર જણાવ્યું કે મયંકને એક કિડની જન્મથી જ નથી. તેના પિતા પર આભ તૂટી પડ્યું અને તે ખૂબ જ હતાશ થઇ ગયા. ડોક્ટરે કહ્યું કે ચિંતા ન કરો, કોઈ પણ વ્યક્તિ એક કિડની પર પણ જીવી શકે છે, બસ એ શારીરિક શ્રમવાળી રમત રમી શકતો નથી. તેના પિતાએ કહ્યું કે મારા છોકરાને ફૂટબોલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવું છે. મારે તેનું આ સપનું પૂરું કરવું છે.   

ડોક્ટરે કહ્યું કે એ શક્ય નથી. મયંકના પિતાએ કહ્યું કે હું મારી એક કિડની આપવા તૈયાર છું. ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારી કરી દીધી. મયંકની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ અને સર્જરી સફળતાપૂર્વક થઇ ગઈ. આ વાતની મયંકને ખબર ન હતી. સમય વીતતો ગયો.   

મયંક સારી રીતે ફૂટબોલ રમી રહ્યો હતો. તે રાષ્ટ્રીય ટીમમાં સિલેક્ટ થઇ ગયો હતો. તે ખૂબ જ ખુશ હતો, પણ આ ખુશીમાં તેના પપ્પા આ દુનિયામાં હાજર ન હતા. થોડા સમય બાદ એ જ ડોક્ટર મયંકને મળ્યા અને કહ્યું કે બેટા ફૂટબોલની રમત કેવી ચાલે છે? મયંકે કહ્યું કે હું રાષ્ટ્રીય ટીમમાં સિલેક્ટ થઇ ગયો છું. ડોક્ટરે મયંકને અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે બેટા, આ બધું તારા પિતાને કારણે જ થયું છે. મયંકને ડોક્ટરે બધી જ વાત કરી દીધી કે તારે એક જ કિડની હતી. બીજી કિડની તારા પપ્પાએ ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ સાંભળીને મયંકના પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા પપ્પાએ મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું! ફૂટબોલ પ્રત્યેની મારી ઘેલછા પિતાએ પૂરી કરી! 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *