આણંદ-બોરસદ માર્ગ પર નાપા નજીકનું ગરનાળું તૂટયાને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેનું નવનિર્માણ હજુ સુધી પૂર્ણ ન થતાં દાંડી વિભાગ સહિત વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મહત્વના માર્ગ પર આવેલું ગરનાળું લાંબા સમયથી તૂટેલી સ્થિતિમાં હોવા છતાં તેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ આશરે બે વર્ષ પહેલાં ચોમાસા દરમિયાન નાપા પાસેનું ગરનાળું તૂટી ગયું હતું. ગરનાળું તૂટયા બાદ માર્ગ વ્યવસ્થાને અસર થતાં તેના નવનિર્માણની કામગીરી ઝડપથી હાથ ધરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. જોકે બે વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતાં હવે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગરનાળાના નવ નિર્માણ માટે આશરે એક વર્ષ પહેલાં મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ સ્થાનિકોને આશા હતી કે હવે કામગીરી ઝડપથી આગળ વધશે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. પરંતુ એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામ પૂર્ણ ન થતાં ખાતમુહૂર્ત બાદ પણ કામગીરીમાં વિલંબ કેમ? તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. નાપાના ગરનાળાના મુદ્દે હવે ગંભીરા બ્રિજની કામગીરી સાથે સરખામણી કરવામાં આવી રહી છે. ગંભીરા બ્રિજ જેવા મોટા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કામ એક વર્ષના સમયગાળામાં પૂર્ણ થઈ શકે છે, તો નાપા પાસેના ગરનાળાના નવનિર્માણમાં બે વર્ષથી વધુ સમય કેમ લાગી રહ્યો છે? સ્થાનિકોનો સવાલ છે કે જો મોટા પુલના કામમાં ઝડપથી કામગીરી થઈ શકે તો નાપા જેવા મહત્વના માર્ગ પરના ગરનાળાનું કામ પણ સમયમર્યાદામાં પૂર્ણ થવું જોઈએ. કામગીરીમાં વિલંબ પાછળનું કારણ શું છે અને કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આણંદ-બોરસદ માર્ગ પર સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી નાપા પાસેના ગરનાળાની કામગીરી મહત્વપૂર્ણ બની જાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીના વહેણ અને માર્ગની સ્થિતિને કારણે વાહનચાલકોને મુશ્કેલી સર્જાય છે. સ્થાનિકની માંગ છે કે સંબંધીત દાંડી વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સ્થળની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી બાકી રહેલી કામગીરીમાં ઝડપ કરવામાં આવે અને ચોક્કસ સમયમર્યાદા નક્કી કરીને ગરનાળાનું કામ પૂર્ણ કરવામાં આવે. બે વર્ષથી તૂટેલું ગરનાળું એક વર્ષ પહેલાં થયેલું ખાતમુહૂર્ત અને હજુ સુધી અધૂરૂં કામ આ સમગ્ર મામલે હવે દાંડી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત પૂરતા સીમિત ન રહે પરંતુ સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે.
Anand : નાપા પાસે બે વર્ષથી તૂટેલું ગરનાળું જૈસે-થે સ્થિતિમાં
📅 Published: September 21, 2026 |
📂 Category: Anand
