Valsad News : ઉમરસાડી નજીક ધાર્મિક પ્રસંગે કરુણાંતિકા, માછલીના દોરામાં ફસાયા બાદ બોટ પથ્થર સાથે ટકરાતાં નદીમાં ખાબકી!

📅 Published: September 22, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી નજીક આવેલા લક્ષ્મીનારાયણ મંદિરથી લાલજીબાપાની મૂર્તિને દરિયા-નદીના સંગમ સ્થાને સ્નાન કરાવવાનો ધાર્મિક પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાઈ ગયો હતો. એક અજ ફળિયાના સ્થાનિક લોકો બોટમાં બેસીને લાલજીબાપાની મૂર્તિને પવિત્ર સ્નાન કરાવી પરત ફરી રહ્યા હતા, તે સમયે અચાનક બોટ પાણીમાં માછલી પકડવાના દોરા (જાળી) સાથે ફસાઈ ગઈ હતી. બોટ પરનો કાબૂ ગુમાવતાં બોટ નજીકના પથ્થર સાથે જોરદાર ટકરાઈ હતી અને ક્ષણવારમાં પારનદીમાં ઊંધી વળી ગઈ હતી.

6 લોકોને ઉગારી લેવાયા, માતાના હાથમાંથી દોઢ વર્ષનું બાળક છૂટી ગયું

બોટ પલટી મારતાં જ તેમાં સવાર તમામ 7 જેટલા શ્રદ્ધાળુઓ નદીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. પાણીમાં ડૂબી રહેલા લોકોની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત પ્રયાસો કરીને 7 પૈકી 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવાયા હતા. જોકે, એક મહિલાના હાથમાંથી તેનું દોઢ વર્ષનું અબોધ બાળક છૂટી જતાં તે પારનદીના વહેણમાં ગરકાવ થઈ ગયું હતું. માસૂમ બાળક નદીમાં ગૂમ થઈ જતાં ઘટનાસ્થળે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

ફાયર બ્રિગેડ, પોલીસ અને તરવૈયાઓ દ્વારા બાળકની શોધખોળ ચાલુ

બનાવની જાણ થતાં જ ચંદ્રપુર લાઈફ સેવા ગ્રૂપના સ્થાનિક તરવૈયાઓ, વલસાડ અને પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો, 108 એમ્બ્યુલન્સ તેમજ વલસાડ રૂરલ અને પારડી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પારડી પી.આઈ.ની આગેવાની હેઠળ ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પારનદીના ઊંડા પાણીમાં ગૂમ થયેલા દોઢ વર્ષના બાળકની સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar મનપા ચૂંટણીમાં AAPનો દાવ, બીજી યાદીમાં વધુ 6 ઉમેદવારો જાહેર, કુલ 29 ઉમેદવારો મેદાનમાં!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *