Valsad: પારડીના ઉમરસાડી નજીક બોટ પલટી જતા માતાના હાથમાંથી દોઢ વર્ષનું બાળક છૂટીને પાણીમાં ગરકાવ

📅 Published: September 22, 2026 | 📂 Category: Valsad

પારડી તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. પારડીના ઉમરસાડી વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર ખાતેથી અજ ફળિયાના ગ્રામજનો બોટમાં સવાર થઈને લાલજીબાપાની મૂર્તિને દરિયામાં પવિત્ર સ્નાન કરાવવા માટે ગયા હતા. મૂર્તિને સ્નાન કરાવીને બોટ મારફતે સુરક્ષિત પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ઉમરસાડી નજીક પારનદીના પ્રવાહમાં માછલી પકડવાના દોરામાં બોટ ફસાઈ ગઈ હતી.

વલસાડના પારડીમાં મોટી દુર્ઘટના

દોરામાં બોટ ફસાઈ જતાં તેના પરનો કાબૂ ગુમાવાયો હતો અને બોટ નદીમાં રહેલા પથ્થર સાથે જોરદાર ધડાકાભેર ટકરાઈ હતી. પથ્થર સાથે અથડાતાં જ બોટ નદીના વહેણમાં ઊંધી વળી ગઈ હતી અને તેમાં સવાર સાત જેટલા લોકો પારનદીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા.અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે ચીસિયારીઓ મચી ગઈ હતી. આસપાસના સ્થાનિકો અને તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ઝંપલાવીને બોટમાં સવાર 7 પૈકી 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા. જો કે, આ અફડાતફડી વચ્ચે બોટમાં સવાર એક મહિલાના હાથમાંથી તેમનું દોઢ વર્ષનું માસૂમ બાળક છૂટી ગયું હતું અને તે નદીના ઝડપી પ્રવાહમાં તણાઈને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

માતાના હાથમાંથી દોઢ વર્ષનું બાળક છૂટીને પાણીમાં ગરકાવ

બનાવની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસ, પારડી પોલીસનો કાફલો, પારડી PI, 108 એમ્બ્યુલન્સ, તેમજ વલસાડ અને પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત ‘ચંદ્રપુર લાઈફ સેવા ગ્રૂપ’ના સાહસિક તરવૈયાઓ પણ સ્થાનિકો સાથે રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા. હાલ પારડી PI અને તંત્રની દેખરેખ હેઠળ પારનદીના વહેણમાં માસૂમ બાળકની શોધખોળ માટે ભારે ઝડપી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Surat થી ચેન્નાઈ હવે માત્ર 16 કલાકમાં! નવો એક્સપ્રેસ વે 5 રાજ્યોને જોડશે



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *