સુરત મહાનગરપાલિકામાં વહીવટી શિસ્ત અને સમયપાલનને લઈને નવા પાલિકા કમિશનરે આકરાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મનપાની વિવિધ કચેરીઓમાં સરકારી પગાર લેવા છતાં નિયમિત અને સમયસર ન આવતા અમુક અધિકારીઓ તેમજ કર્મચારીઓને પકડવા માટે આજે વિજિલન્સ વિભાગ દ્વારા અચાનક તપાસ (રેડ) હાથ ધરવામાં આવી હતી. નવા કમિશનરના આદેશથી કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીને કારણે પાલિકાના તમામ વિભાગોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો હતો.
રેડની બાતમી મળતાં જ રજાઓ મુકવાની દોડધામ
વિજિલન્સ ટીમની સરપ્રાઇઝ તપાસ ચાલુ થતાં જ ઓફિસે મોડા પહોંચતા કર્મચારીઓમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તપાસની જાણ થતાં જ અનેક કર્મચારીઓ અને અધિકારીઓ રેડથી બચવા માટે અચાનક સી-એલ (કેઝ્યુઅલ લીવ) કે અડધા દિવસની રજાઓ મૂકીને ગાયબ થવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. ઘણા અધિકારીઓ પોતાની સીટ પરથી ગેરહાજર જણાતા વિજિલન્સ ટીમે તેમની ગેરહાજરીની નોંધ લઈ હાજરી પત્રકો કબ્જે કર્યા હતા.

કામચોર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીના એંધાણ
પ્રજાના ટેક્સના નાણાંમાંથી સરકારી પગાર મેળવતા કર્મચારીઓ સમયસર ફરજ પર ન આવે તે ચલાવી લેવાશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી કમિશનર દ્વારા આપવામાં આવી છે. આજે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન જે કર્મચારીઓ મોડા આવ્યા છે અથવા તો બિલકુલ ગેરહાજર રહ્યા છે તે તમામ સામે આકરા શિક્ષાત્મક પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ શિસ્તબદ્ધ કાર્યવાહીથી આવનારા દિવસોમાં પાલિકાની કાર્યપદ્ધતિમાં મોટો સુધારો જોવા મળે તેવી શક્યતા છે.
