Torrent ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા આજે વ્યારા ખાતે 317 બેડની પુનર્નિર્મિત ‘ટ્રાન્ઝિશનલ’ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, ગુજરાત સરકાર સાથેની ‘જાહેર-ખાનગી ભાગીદારી’ (PPP) હેઠળ આકાર લઈ રહેલા ‘યુએનએમ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ’ અંતર્ગત નવી હોસ્પિટલ ઇમારતનો શિલાન્યાસ પણ સંપન્ન થયો હતો. આ સાથે જ વ્યારા ખાતેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવનિર્મિત 317 બેડની અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ યુ.એન.એમ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની 800 બેડની વિશાળ નવી હોસ્પિટલ ઇમારતનું ભૂમિપૂજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નવી હોસ્પિટલ હાલની 156 બેડની જૂની હોસ્પિટલનું સ્થાન લેશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને ડૉ. જયરામ ગામિત, રાજ્ય કક્ષાના મંત્રી (સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
દર્દીઓની સારવાર 317 બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલ
હાલ વ્યારા જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલી તમામ તબીબી સેવાઓ અને દર્દીઓની સારવાર હવે આ નવનિર્મિત 317 બેડની ‘ટ્રાન્ઝિશનલ હોસ્પિટલ’માં સ્થળાંતરિત કરવામાં આવશે. નવી 800 બેડની વિશાળ હોસ્પિટલના નિર્માણ કાર્ય દરમિયાન પણ દર્દીઓની સારવારમાં કોઈ ખલેલ ન પહોંચે અને આરોગ્ય સેવાઓ નિરંતર ચાલુ રહે, તે હેતુથી વ્યારા જનરલ હોસ્પિટલના હાલના કેમ્પસમાં જ આ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ 317 બેડની પુનર્વિકસિત ટ્રાન્ઝિશનલ સુવિધા વ્યારા જનરલ હોસ્પિટલના હાલના કેમ્પસમાં સ્થિત છે. આગામી સમયમાં આ સમગ્ર કેમ્પસને એક અત્યાધુનિક હેલ્થકેર હબ તરીકે વિકસાવવામાં આવશે.
MBBS મેડિકલ કોલેજ અને હોસ્ટેલ બનશે
આ પ્રોજેક્ટના આગામી તબક્કામાં અહીં 150 બેઠકો ધરાવતી MBBS મેડિકલ કોલેજ અને વિદ્યાર્થીઓ માટે સુસજ્જ હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવશે, જેનાથી વ્યારા અને નજીકના ગ્રામીણ ક્ષેત્રોના યુવાનોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ મેળવવાની ઉત્તમ તક સાંપડશે. આ સમગ્ર મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹910 કરોડ છે, જેનો સંપૂર્ણપણે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વહન કરવામાં આવશે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જ આ પ્રકારની વિશિષ્ટ તબીબી સારવાર ઉપલબ્ધ થવાથી દર્દીઓને હવે 75 કિલોમીટર દૂર સુરત સુધી જવું નહીં પડે. આ પહેલથી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે 8 લાખથી વધુ લોકોને, ખાસ કરીને આદિવાસી સમુદાયને, પોતાના નજીકના વિસ્તારમાં જ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને મેડિકલ શિક્ષણનો લાભ મળશે.

જીનલ મહેતાએ પ્રોજેક્ટ અંગે માહિતી આપી
ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જીનલ મહેતાએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર સાથેની ભાગીદારીમાં યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલના પુનર્વિકાસ અને વિસ્તરણનું આ મહત્વાકાંક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર સંકુલને અત્યાધુનિક આરોગ્ય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ હેઠળની આ પહેલથી ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના લોકોને, ખાસ કરીને આદિવાસી સમુદાયને, પોતાના ઘરઆંગણે જ અદ્યતન તબીબી સારવાર ઉપલબ્ધ થશે. ટ્રાન્ઝિશનલ સુવિધાનું લોકાર્પણ અને નવી યુ.એન.એમ. જનરલ હોસ્પિટલનો શિલાન્યાસ એ વ્યારા અને આસપાસના વિસ્તારો માટે હેલ્થકેર ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ છે.”
317 બેડની યુએનએમ ટ્રાન્ઝિશનલ હોસ્પિટલની મુખ્ય વિશેષતાઓ
- આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર સાથેના જાહેર-ખાનગી ભાગીદારી મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે.
- કુલ કાર્પેટ એરિયા 9,986 ચોરસ મીટર છે.
- હોસ્પિટલમાં કુલ 317 કાર્યરત બેડ ઉપલબ્ધ છે, જેમાં 271 વોર્ડ બેડ અને 46 ક્રિટિકલ કેર બેડનો સમાવેશ થાય છે.
- ઓપીડીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ દરરોજ આશરે 700 દર્દીઓની ઓપીડી ક્ષમતાની સામે હવે 17 ક્લિનિકલ સ્પેશિયાલિટીઝ માટે 24 સમર્પિત ઓપીડી રૂમ સાથે દરરોજ આશરે 1,200 દર્દીઓને સેવા આપી શકાશે.
- હોસ્પિટલમાં કુલ 4 સંપૂર્ણ સુસજ્જ ઓપરેશન થિયેટર છે, જેમાં 3 મેજર સર્જરી માટે અને 1 સીઝેરિયન/મેટરનિટી સેવાઓ માટે છે. આ ઉપરાંત 1 ER Minor OT અને 1 Post-Mortem OTની સુવિધા પણ ઉપલબ્ધ છે.
- ક્રિટિકલ કેર સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે, જેમાં 34 ICU બેડ, 12 NICU/PICU બેડ અને 6 ER બેડનો સમાવેશ થાય છે.
- અદ્યતન પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરી, કાર્યરત બ્લડ સ્ટોરેજ સેન્ટર, તેમજ X-Ray અને USG જેવી ક્લિનિકલ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
- વિશિષ્ટ આરોગ્યસેવા માટે 8 બેડનું નવું ડાયાલિસિસ યુનિટ, સેન્ટ્રલ સ્ટરાઈલ સપ્લાય ડિપાર્ટમેન્ટ (CSSD), Kangaroo Mother Care Room અને NRC Ward વિકસાવવામાં આવ્યા છે.
- હોસ્પિટલમાં વર્તમાન સલામતી અને ગુણવત્તાના ધોરણોને અનુરૂપ નવી પેઢીના આધુનિક બાયોમેડિકલ સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે.
- યુ.એન.એમ. ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારની સેવાભાવી સંસ્થા
- યુ.એન.એમ. ફાઉન્ડેશન એ ટોરેન્ટ ગ્રૂપના પ્રમોટર્સ મહેતા પરિવારની એક સેવાભાવી અને પરોપકારી સંસ્થા છે. આ ફાઉન્ડેશન સામૂહિક આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, તેમજ કલા અને સંસ્કૃતિ જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપીને સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.
આરોગ્ય ક્ષેત્રે ફાઉન્ડેશનની પહેલ
આરોગ્ય ક્ષેત્રે ફાઉન્ડેશને અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વસ્તરીય ‘યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર’, સુરતના કામરેજ ખાતે ‘યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ’ તથા અમદાવાદ ખાતે ‘સંકલન ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર’ની સ્થાપના કરી છે. આ ઉપરાંત, તે બાળરોગ માટેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ ચલાવે છે, એનિમિયા તથા કુપોષણ નિદાન કેમ્પ અને વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમોનું સતત અને સફળતાપૂર્વક આયોજન કરે છે.
શિક્ષણ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો
શિક્ષણ ક્ષેત્રે, શિક્ષા સેતુ લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ હેઠળ પ્રી-સ્કૂલથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર અને પરિણામો સુધારવા માટે કાર્યરત છે. ફાઉન્ડેશનના સેકન્ડ ચાન્સ પ્રોગ્રામ હેઠળ કોઈ કારણોસર અભ્યાસ અધૂરો છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને NIOS મારફતે ધોરણ 10ની પરીક્ષા આપવા યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે. શારદાશિષ પહેલ હેઠળ શાળાઓમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી શિક્ષણ માટે અનુકૂળ અને ઉત્સાહવર્ધક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
પર્યાવરણ ક્ષેત્રે પણ ફાઉન્ડેશનનું કામ
પર્યાવરણ રક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે ફાઉન્ડેશન દ્વારા ‘પ્રતીતિ’ પહેલ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે ‘જાહેર-ખાનગી ભાગીદારી’ (PPP) મોડલ પર કામ કરવામાં આવે છે. આ અંતર્ગત ઉદ્યાનો, તળાવો અને અન્ય હરિયાળા જાહેર સ્થળોનો જીર્ણોદ્ધાર, વિકાસ અને તેમની યોગ્ય જાળવણી કરવામાં આવે છે.
18 જાહેર બગીચાઓ અને હરિયાળા વિસ્તારોનો જીર્ણોદ્ધાર
અત્યાર સુધી ગુજરાતમાં 8.44 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા 18 જાહેર બગીચાઓ અને હરિયાળા વિસ્તારોનો જીર્ણોદ્ધાર અને જાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ફાઉન્ડેશને અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના 69 તળાવો તેમજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના SG હાઈવેના 42 કિલોમીટરના પટ્ટાના પુનઃસ્થાપન અને જાળવણીની કામગીરી પણ હાથ ધરી છે.
અભિવ્યક્તિ’ પ્રોજેક્ટ દ્વારા કલાને પ્રોત્સાહન
‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ દ્વારા યુ.એન.એમ. ફાઉન્ડેશન કલાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. નૃત્ય, સાહિત્ય, સંગીત, નાટ્ય અને દૃશ્ય કલા જેવા ક્ષેત્રોના સર્જનાત્મક કલાકારોને માર્ગદર્શન, આર્થિક સહાય અને કલાત્મક સહયોગ પૂરો પાડવામાં આવે છે.
2,500થી વધુ કલાકારોની 550થી વધુ પ્રસ્તુતિઓ
અમદાવાદ ખાતે દર વર્ષે યોજાતા 15 દિવસીય કાર્યક્રમમાં કલાકારોને પોતાના સર્જનો પ્રદર્શિત કરવાની તક મળે છે, જેમાં સામાન્ય જનતા માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. અત્યાર સુધીમાં આ આર્ટ્સ પ્રોજેક્ટની 7 આવૃત્તિઓમાં 2,500થી વધુ કલાકારો દ્વારા 550થી વધુ પ્રીમિયર પ્રસ્તુતિઓ રજૂ થઈ ચૂકી છે, જેનો 10 લાખથી વધુ લોકોએ આનંદ માણ્યો છે.
આ પણ વાંચો: Torrent Pharma Q1 Results : કંપનીની આવકમાં 55% અને EBITDAમાં 61%નો આવ્યો ઉછાળો
