કાચા તેલના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે આજે સ્થાનિક શેરબજારોમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયો. સેન્સેક્સ 329.91 પોઇન્ટના ઘટાડા સાથે 74,529 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 85.3 પોઇન્ટના ઘટાડા સાથે 23,329.00 અંકે બંધ થયો.
શેરબજાર ઘટાડા સાથે બંધ
સૌથી વધુ વધારો નોંધાવનારા શેરોમાં ટ્રેન્ટ (Trent) ના શેરમાં 1.07 % નો વધારો થયો, ત્યારબાદ ઈન્ડિગો (IndiGo) ના શેરમાં 0.97 % નો વધારો જોવા મળ્યો. એશિયન પેઈન્ટ્સ (Asian Paints) ના શેરમાં ૦.૭૬% નો ઉછાળો આવ્યો, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના શેરમાં 0.47% નો વધારો નોંધાયો. બીજી તરફ, ટેક્નોલોજી ક્ષેત્રના શેરો દબાણ હેઠળ રહ્યા; જેમાં ટેક મહિન્દ્રા (Tech Mahindra), HCL ટેક્નોલોજીસ (HCL Technologies) અને ઈન્ફોસીસ (Infosys) ના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
એશિયન બજારો
મંગળવારે એશિયન બજારો સકારાત્મક વલણ સાથે ખુલ્યા હતા. દક્ષિણ કોરિયાના કોસ્પી (Kospi)માં ૨%નો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે કોસ્ડેક (Kosdaq)માં ૧%નો વધારો થયો હતો. ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200માં પણ ૦.૩%નો વધારો નોંધાયો હતો. રજાને કારણે જાપાનના બજારો બંધ રહ્યા હતા.
ક્રૂડ ઓઈલ
શરૂઆતના કારોબારમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ૦.64% વધીને 100.98 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું, જ્યારે યુએસ ક્રૂડ 0.55% વધીને 92.87 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.
આ શેરોમાં વધારો જોવા મળ્યો
જોકે શેરબજાર તેની શરૂઆતની તેજી બાદ થોડું નરમ પડતું જણાતું હતું, તેમ છતાં કેટલીક કંપનીઓના શેરોએ ગતિ પકડી હતી. BSE લાર્જ-કેપ શ્રેણીમાં, HDFC બેંક અને અદાણી પોર્ટ્સ 1%થી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, મિડ-કેપ શ્રેણીમાં સુંદરમ ફાઇનાન્સ (3.50%), સુઝલોન (1.80%) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેરો લગભગ 1%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
