દીવના વણકબારા વિસ્તારમાં મહેશ્વરી હોટેલ નજીક યુવક પર છરી વડે હુમલો કરવાના કેસમાં કોસ્ટલ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ઘટનાના 24 કલાકની અંદર 3 આરોપીઓને ઝડપી લીધા છે. હુમલામાં 25 વર્ષીય પિયુષ જેન્તીને પેટના ભાગે છરીનો ઘા વાગ્યો હતો.
મંગેતરને Snapchat પર હેરાન કરવાનો વિવાદ
મળતી માહિતી મુજબ, 20 સપ્ટેમ્બર 2026ની રાત્રે આશરે 8:30 વાગ્યે આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પિયુષની મંગેતરને Snapchat મારફતે હેરાન કરવાના કથિત વિવાદને લઈને સમગ્ર ઘટના બની હતી. પિયુષે આ મુદ્દે કેવલ લખનોત્રાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કેવલે તેને વણકબારાની મહેશ્વરી હોટેલ નજીક મળવા બોલાવ્યો હતો.
3 સાથીદારો સાથે પહોંચ્યો કેવલ
પોલીસ તપાસ મુજબ, કેવલ પોતાના સાથીદારો મિરાજ અને અજય સાથે સ્થળ પર પહોંચ્યો હતો. ત્યાં પિયુષ સાથે બોલાચાલી બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મિરાજે પિયુષના પેટના ભાગે છરીનો ઘા માર્યો હોવાનો પોલીસ તપાસમાં ઉલ્લેખ છે.
સારવાર માટે ઉના ખસેડાયો
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિયુષને સારવાર માટે ઉનાની મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે પિયુષ સાથે તેનો બનેવી પણ સ્થળ પર હાજર હોવાનું જણાવાયું છે.
24 કલાકમાં ત્રણેય આરોપી ઝડપાયા
ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કોસ્ટલ પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓની ઓળખ કરી હતી અને 24 કલાકની અંદર ત્રણેયને ઝડપી લીધા હતા.
ત્રણેય તાડ વાડી વિસ્તારના રહેવાસી
પકડાયેલા આરોપીઓમાં કેવલ રામભાઈ લાખનોત્રા, મિરાજ ભૂપત લખનોત્રા અને અજય વજસુર લખનોત્રાનો સમાવેશ થાય છે. ત્રણેય ઉના તાલુકાના તાડ વાડી વિસ્તારના રહેવાસી છે.
BNSની કલમો હેઠળ FIR
આ મામલે કોસ્ટલ પોલીસ સ્ટેશન, વણકબારા ખાતે BNSની કલમ 109(1), 118(2), 61(2) અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. કેસની તપાસ LPSI ભાવિની હલપતિને સોંપવામાં આવી છે. આરોપીઓ પૈકી એકને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 25 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે. પોલીસે હુમલા પાછળની સમગ્ર પરિસ્થિતિ અને આરોપીઓની ચોક્કસ ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Rajasthanમાં હાઇવોલ્ટેજ ડ્રામા, બસનો કાચ તૂટ્યો, હાઇકોર્ટ પહોંચ્યો મામલો અને રાતે ખુલ્યું બેલેટ બોક્સનું રહસ્ય
