સુરત જિલ્લાની ખેડૂતોની જીવાદોરી સમાન ‘સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.’ (સાયણ સુગર ફેક્ટરી) એ રાષ્ટ્રીય સ્તરે સુરત જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નવી દિલ્હી સ્થિત ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ. (NFCSF) ના વાર્ષિક સમારોહમાં સાયણ સુગરને ગૌરવપૂર્ણ પુરસ્કારથી એનાયત કરવામાં આવી છે.
સાયણ સુગરનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વહ્યું
સાયણ સુગરને વર્ષ 2025-26 ની સિઝન દરમિયાન ‘ઉચ્ચ પુનઃપ્રાપ્તિ ક્ષેત્ર’ માં શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન માટે સમગ્ર દેશમાં ત્રીજો નંબર પ્રાપ્ત થયો છે. આ પુરસ્કાર માજી ચેરમેન રાકેશ પટેલના કાર્યકાળ દરમિયાન કરાયેલા શ્રેષ્ઠ વહીવટી અને નાણાકીય સંચાલનની સફળતા દર્શાવે છે.
નવી દિલ્હીમાં NFCSF દ્વારા કરાયું ગૌરવવંતું સન્માન
દિલ્હી ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે સાયણ સુગરના વર્તમાન ચેરમેન કેતન પટેલ તથા માજી ચેરમેન રાકેશ પટેલે આ ટ્રોફી અને પ્રશસ્તિપત્રનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. સાયણ સુગરના નાણાકીય શિસ્ત અને પારદર્શક વહીવટને મળેલા આ રાષ્ટ્રીય સન્માનથી સુરત જિલ્લાના સભાસદ ખેડૂતો અને સમગ્ર સાયણ સુગર પરિવારમાં ભારે આનંદ અને ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
