દીકરીની નાગરિકતાની ચિંતાને લઈ પિતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા:પત્ની સંતાનને લઈ બેલ્જિયમ રવાના, અરજદારને ડર છે કે બાળકને બેલ્જિયમની નાગરિક બનાવી દેશે

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

સુરતના એક રહીશે તેમની અઢી વર્ષની પુત્રીની નાગરિકતા અંગે પોતાની બેલ્જિયન પત્ની સાથેના વૈવાહિક વિવાદ વચ્ચે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમની પત્ની પુત્રી સાથે પોતાના દેશ પાછી ફરી છે. અરજદારે એવી આશંકા વ્યક્ત કરી છે કે તેમની સગીર પુત્રી તેની ભારતીય નાગરિકતા ગુમાવી દેશે, કારણ કે બેલ્જિયમની એક અદાલતમાં તેની પત્ની દ્વારા શરૂ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી 29 સપ્ટેમ્બરે પૂર્ણ થાય તેવી શક્યતા છે. 2021માં દિલ્હીમાં મળ્યા બાદ લગ્ન કર્યા હતા
હાઈકોર્ટ સમક્ષ અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, દંપતી ઇસ્કોનના ભક્ત છે અને તેઓ 2021માં દિલ્હીમાં મળ્યા હતા અને લગ્ન કર્યા હતા. બાળકનો જન્મ 2023માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. ત્યારબાદ દંપતી પતિના વતન સુરત ખાતે શિફ્ટ થયું હતું. વૈવાહિક વિવાદ બાદ પત્ની બાળક સાથે પોતાના વતન પાછી ફરી હતી અને કાનૂની પ્રક્રિયા શરૂ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ પતિના વકીલે રજૂઆત કરી હતી કે જો હાઈકોર્ટ આ કેસમાં હસ્તક્ષેપ નહીં કરે, તો બાળક દેશવિહીન થઈ જશે. બાળકને બેલ્જિયમની નાગરિક બનાવી દેશે
અરજદારને ડર છે કે તેમની પત્ની બાળકને બેલ્જિયમની નાગરિક બનાવી દેશે. તેમણે વિદેશ મંત્રાલયને ‘સિટીઝનશિપ એક્ટ’ના નિયમ 40 હેઠળ તપાસ શરૂ કરવા માટે રજૂઆત કરી છે, જે કેન્દ્ર સરકારને અન્ય કોઈ દેશની નાગરિકતા માટે ભારતીય નાગરિકતાના ત્યાગ અંગે તપાસ કરવાની સત્તા આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, અરજદારે 5 ઓગસ્ટે સૌથી પહેલો સંપર્ક કર્યો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારે તેમની પુત્રી હજુ સુધી ભારતીય નાગરિક મટી ગઈ નથી તે નિશ્ચિત કરવા માટે કેન્દ્રને ‘સિટીઝનશિપ એક્ટ’ના નિયમ 40 હેઠળ કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવા હાઈકોર્ટને વિનંતી કરી છે. આ ઉપરાંત, તેમણે તેમની પુત્રીની ભારતીય નાગરિકતા, જે તેણે જન્મથી મેળવી છે, તેનું રક્ષણ કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. કોર્ટે અરજદારના વકીલ તેમજ કેન્દ્ર સરકારના કાઉન્સેલને આ મુદ્દે અરજી કરવા માટે યોગ્ય સત્તાધિકારી કોણ છે તે અંગે પૂછપરછ કરી હતી અને વધુ સુનાવણી ગુરુવારે મુલતવી રાખી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *