ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હવે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SP)એ પણ ગુજરાતમાં સંગઠનને સક્રિય કરવાની શરૂઆત કરી છે. પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય જયંત રામણભાઈ પટેલ (બોસ્કી)ની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પુનઃવરણી કરી છે. NCP-SPના રાષ્ટ્રીય મહાસચિવ અને વહીવટના પ્રભારી રાજીવ ઝા દ્વારા 22 સપ્ટેમ્બર, 2026ના રોજ જયંત પટેલને નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે. પત્રમાં તેમની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. 2022માં કોંગ્રેસ સાથે હતું ગઠબંધન
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું હતું. આ ગઠબંધન અંતર્ગત કોંગ્રેસે NCP માટે બે બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા અને NCPના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. હવે 2027ની ચૂંટણી પહેલાં NCP-SP દ્વારા ફરી ગુજરાતમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી રહી છે. શરદ પવાર સહિતના નેતાઓને જાણ કરાઈ
જયંત પટેલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂકની જાણકારી NCP-SPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળે અને પી.સી. ચાકો સહિતના રાષ્ટ્રીય નેતાઓને કરવામાં આવી છે. પાર્ટીના તમામ રાષ્ટ્રીય મહાસચિવો, સચિવો, વર્કિંગ કમિટી સભ્યો તથા રાજ્ય સંગઠનના હોદ્દેદારોને પણ નિમણૂક પત્રની નકલ મોકલવામાં આવી છે. 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે જયંત બોસ્કીની આગેવાનીમાં ગુજરાતમાં NCP-SPનું સંગઠન કેટલું સક્રિય બને છે અને આગામી ચૂંટણીમાં પાર્ટી કઈ રાજકીય રણનીતિ અપનાવે છે તેના પર નજર રહેશે.
2027ની ચૂંટણી પહેલાં NCP-SP સક્રિય:જયંત બોસ્કીની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પુનઃવરણી, શરદ પવારની પાર્ટીએ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી
📅 Published: September 22, 2026 |
📂 Category: gujarati-news
