‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના ગઇકાલના એપિસોડમાં આપણે જોયું કે પૂજારામ અને તેનો પરિવાર રાજસ્થાનથી બનાસકાંઠાના ધનપુરા ગામે આવ્યો હતો. અહીં તે ઘરે ઘરે ભટકીને ભીખ માંગીને જિંદગી જીવતા હતા. ધનપુરા આવ્યાના ચોથા દિવસે પૂજારામ અને તેની પત્ની જલોત્રા ગામે ગયા હતા. જ્યાંથી બપોરે પાછા ફર્યા તો 4 વર્ષના દીકરા વેદનું અપહરણ થઇ ગયું હતું. પૂજારામે ઘણી તપાસ કરી તેમ છતાં વેદનું કોઇ પગેરૂં ન મળતાં તેમણે વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પછી પોલીસની 5 ટીમે તપાસ શરૂ કરી હતી. હવે વાંચો આ અપહરણ પાછળ રહેલા નેટવર્કની કહાની…. વેદ અને તેના અપહરણકાર સુધી પહોંચવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV કેમેરાનો આશરો લીધો. સતત 30 કલાક સુધી પોલીસની તપાસ ચાલી. જેમાં એક મહત્વની કડી મળી. વેદને સિલ્વર કલરની કારમાં લઇ જવાયો હોવાનું CCTVમાં દેખાયું. હવે પોલીસને એ કારની શોધ હતી. આ કાર મુમનવાસ, મોકેશ્વર ડેમ અને દાંતા તરફ ગઇ હોવાની માહિતી હ્યુમન સોર્સ તરફથી મળી. આ માહિતીના પગલે પોલીસે એ રૂટ પરના તમામ CCTV, બસ સ્ટેશન, આસપાસના નાના ગામડાં, નાની-મોટી હોટેલ્સ અને ઘાસચારાના ઠેકા સહિત અન્ય મહત્વના પોઇન્ટસ પર તપાસ કરી. જેમાં 50થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો હતો. વેદના અપહરણના 2 દિવસ બાદ એટલે કે 8મી એપ્રિલે પોલીસને બાતમી મળી કે દાંતાના કાંસા ગામના શૈલેષ લાડુભાઇ ગમાર નામના શખશે બાળ તસ્કરી માટે પોતાની કારમાં વેદનું અપહરણ કર્યું છે. તેણે વેદને કાંસાથી 40 કિલોમીટરના અંતરે આવેલા મેપડા ગામના એક ખેતરમાં રાખ્યો છે. આ બાતમી બાળ તસ્કરીના રેકેટ તરફ ઇશારો કરતી હતી એટલે પોલીસ કોઇ કચાશ છોડવા માંગતી નહોતી. તરત જ એક ટીમ તૈયાર થઇ. જેણે ફક્ત વેદને જ છોડાવવાનો નહોતો પણ તેને ઉઠાવી જનારા લોકોને પકડીને બાળ તસ્કરીના નેટવર્ક સુધી પહોંચવાનું હતું. પોલીસની ટીમે મેપડા ગામે જઇ એ ખેતરને ચારેતરફથી ઘેરી લીધું. અમુક જવાનો સીધા ખેતરમાં પહોંચ્યા અને વેદને હેમખેમ છોડાવી લીધો. ખેતરમાંથી શૈલેષ અને અમીરગઢ તાલુકાના ખાપરા ગામનો પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઇ ભગોરા ઝડપાયા. પોલીસે વેદને તેના માતા-પિતાને સોંપી દીધો. જ્યારે શૈલેષ અને પાબુની ધરપકડ કરી હતી. બન્નેની કડક પૂછપરછ કરતાં ખૂલ્યું કે, શૈલેષે મેપડા ગામે પરથી ચૌધરીનું ખેતર ભાગે રાખ્યું હતું. વેદનું અપહરણ કર્યા બાદ તેને ત્યાં જ લઇ જવાયો હતો. શૈલેષ અને પાબુ એકબીજાને છેલ્લા 1 વર્ષથી ઓળખતા હતા. બન્ને જણાં આંતરરાજ્ય વોન્ટેડ આરોપીઓના સંપર્કમાં હતા અને છોકરીઓના લગ્ન કરાવવાનું કામ કરતાં હતા. બદલામાં તેમને કમિશન મળતું હતું. એક વખત પાબુએ શૈલેષને કહ્યું કે મારા સંપર્કમાં એક હિન્દી ભાષી માણસ છે, જે બાળક ખરીદવા માગે છે. આ વાત સાંભળીને શૈલેષને પોતાના એક સગાં યાદ આવ્યા. તેના સગાંને ત્યાં 1 મહિના પહેલાં જ બાળકનો જન્મ થયો હતો. શૈલેષે તેમની સામે બાળક વેચવાનો પ્રસ્તાવ મૂક્યો અને તે તૈયાર થઇ જતાં પાબુ મારફતે 1 લાખ રૂપિયામાં બાળકનો સોદો કરી વેચી નાંખ્યું હતું. આમ સરળતાથી પૈસા મળી જતાં શૈલેષ અને પાબુને વધુ લાલચ જાગી એટલે હવે તેમણે છોકરીઓના લગ્ન કરાવવાનું કામ પડતું મૂકીને બાળ તસ્કરીના રેકેટમાં ઝંપલાવ્યું હતું. હવે આ બન્ને અજાણ્યા બાળકનું અપહરણ કરી તેને વેચી નાખવાની ફિરાકમાં રહેતા હતા. 6 એપ્રિલે જ્યારે શૈલેષ પોતાની કાર લઇને ધનપુરાથી પસાર થતો હતો ત્યારે તેની નજર વેદ અને તેના ભાઇ-બહેન પર પડી હતી એટલે તેણે કાર ઊભી રાખી 10 રૂપિયાની નોટ આપી વેદનું અપહરણ કરી લીધું હતું. થોડે દૂર જઇને તેણે વેદના કપડાં બદલાવી નાખ્યા હતા અને માથાના વાળ પણ કપાવી નાખ્યા હતા કે જેથી કરીને વેદની ઓળખ ન થઇ શકે. આના પછી તેણે વેદનો ફોટો પાબુને મોકલ્યો હતો અને સોદો નક્કી કર્યો હતો. નક્કી થયા પ્રમાણે પાબુ વેદને લેવા માટે મેપડા ગામે શૈલેષે ભાગમાં રાખેલા ખેતર પર પહોંચ્યો હતો. જો પોલીસ ન પહોંચી હોત તો પાબુ વેદને લઇને રાજ્ય બહાર તેનું વેચાણ કરી નાખવાનો હતો. શૈલેષ અને પાબુની સાથે 17 વર્ષનો એક કિશોર પણ આ ષડયંત્રમાં સંડોવાયેલો હતો. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એ કિશોરની ધરપકડ કરીને વડગામ પોલીસને સોંપ્યો હતો. પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પાબુ મહારાષ્ટ્રના થાણેના આંબીવલી સ્ટેશન રોડ પર રહેતી લક્ષ્મી પવાર સાથે વોટ્સએપ મારફતે સંપર્કમાં આવ્યો હતો. લક્ષ્મી પ્રેગનન્ટ હોવાથી પાબુએ તેને સમજાવીને જે બાળક જન્મે તેને વેચી નાખવા માટે તૈયાર કરી હતી. જાન્યુઆરી-2026માં લક્ષ્મીએ દીકરાને જન્મ આપ્યો હતો અને દવાખાનામાં કોઇને જાણ કર્યા વગર નીકળી ગઇ હતી. તે ખાપરા ગામે પાબુના ઘરે આવી હતી. પાબુએ લક્ષ્મીના દીકરાના ફોટો પાડીને 17 વર્ષના એક કિશોરને મોકલ્યા હતા. 11મી ફેબ્રુઆરીએ કિશોર પોતાની સાથે ઉદયપુરના ક્રિષ્નાને લઇને પાબુના ઘરે ગયો હતો અને લક્ષ્મીના દીકરાના ફોટો પાડી તેલંગાણાના ગોલેટી ટાઉનમાં રહેતા અને બાળ તસ્કરી કરતાં બોદશુ નાગારાજુ ઉર્ફે મુરૂગન બોદશુ વેંકટી અને શિવારાનીને મોકલ્યા હતા. મુરુગને બાળક ખરીદવાની હા પાડતા 1.80 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. આના પછી લક્ષ્મી, ક્રિષ્ના અને કિશોર બાળકને લઇને ખાપરા ગામેથી મુંબઇ થઇને હૈદરાબાદ ગયા હતા. જ્યાં બાળકને વેચીને 1.80 લાખ રૂપિયા મેળવી લીધા હતા. આ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા લક્ષ્મીને મળ્યાં હતા. જ્યારે બાકીના 80 હજારમાંથી કિશોર, ક્રિષ્ના અને પાબુએ પોતાનો ભાગ રાખી લીધો હતો. આ ગેંગે બનાસકાંઠાના કાંસા ગામના દિનેશ રાઠોડની નવજાત બાળકીને પણ વેચી નાખી હતી. બદલામાં દિનેશને 90 હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના 90 હજાર કમિશન પેટે અંદરોઅંદર વેચી લીધા હતા. ગેંગે અત્યાર સુધીમાં બનાસકાંઠાના 2, મુંબઇના 2, હૈદરાબાદના 3 અને દિલ્હીના 1 બાળકને વેચી દીધા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસની તપાસમાં મુરુગનનો કાચો ચિઠ્ઠો પણ ખૂલ્યો. મુરુગન અને તેની પત્ની હૈદરાબાદના વિવિધ IVF સેન્ટરમાં ફરતા રહેતા. અહીં સારવાર માટે આવતી જે મહિલાઓની ફર્ટિલિટી ક્ષમતા નહીંવત હોય તેવી મહિલાઓ માટે સ્વસ્થ અને સારી ફર્ટિલિટી ક્ષમતા ધરાવતી મહિલાઓની વ્યવસ્થા પણ કરી આપતા અને IVF સેન્ટર પાસેથી એક મહિલા દીઠ 5થી 6 હજાર રૂપિયાનું કમિશન મેળવતા. વધુ પૈસા મેળવવા માટે તેઓ ગરીબ માતા-પિતા પાસેથી નવજાત બાળકો મેળવી નિઃસંતાન દંપતીઓ અથવા બીજા એજન્ટ્સને ઊંચી કિંમતે વેચી દેતા હતા. આ વિગતો ખૂલ્યા બાદ બનાસકાંઠા પોલીસે હૈદરાબાદમાં દરોડા પાડી મુરૂગન સહિત 3ની ધરપકડ પણ કરી હતી. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પણ વાંચો ભીખ માગતા પરિવારના દીકરાનું અપહરણ અને પોલીસની 30 કલાકની જંગ, મા-બાપની ઝોળી મીઠાઈથી ભરાઈ ને ખોળો ખાલી થઈ ગયો, પાર્ટ-1
ભીખ માગતા પરિવારના દીકરાનું અપહરણ અને પોલીસની 30 કલાકની જંગ:ઓળખ છુપાવવા નાનકડા બાળકના વાળ કાપ્યા, કપડાં બદલ્યા; અંતે ભાંડો ફૂટીને જ રહ્યો
📅 Published: September 23, 2026 |
📂 Category: gujarati-news
