અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા વાહનોના ભારણ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત વાડજ વિસ્તારમાં નવો ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે. આશરે રૂ.106 કરોડના વિશાળ ખર્ચે નિર્માણ પામેલા 735 મીટર લાંબા આ 4-લેન બ્રિજની કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી છે. હાલમાં બ્રિજ પર કલરકામ, લાઈટિંગ અને આખરી ઓપ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમામ તૈયારીઓ આટોપીને આ મહત્વકાંક્ષી બ્રિજ આવતીકાલે જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાય તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.
દરરોજ 2 લાખથી વધુ વાહનચાલકોને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ
આ નવો 4-લેન બ્રિજ શરૂ થવાથી દરરોજ આ માર્ગ પરથી પસાર થતાં 2 લાખથી વધુ વાહનચાલકોને સીધો અને મોટો ફાયદો થશે. અત્યાર સુધી પીક અવર્સ દરમિયાન વાડજ જંકશન અને આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેના કારણે વાહનચાલકોનો ઘણો સમય વેડફાતો હતો. હવે આ બ્રિજ ચાલુ થઈ જવાથી વાહનચાલકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળશે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય અને ઈંધણ બંનેની મોટી બચત થશે.
વાડજ-ગાંધીઆશ્રમ માર્ગ પર વાહનવ્યવહાર બનશે સુગમ
ખાસ કરીને વાડજથી ગાંધીઆશ્રમ તરફ જતાં અને આવતાં માર્ગ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે. ગાંધીઆશ્રમ પુનર્વિકાસ પ્રોજેક્ટ અને આસપાસના વિસ્તારોની અવરજવરને ધ્યાનમાં રાખીને આ બ્રિજ વાહનચાલકો માટે અત્યંત ચાવીરૂપ સાબિત થશે. બ્રિજ ખુલ્લો મુકાતાં જ આ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સુગમ, ઝડપી અને સુરક્ષિત બનશે, જેને પગલે સ્થાનિક રહીશો અને દૈનિક અપ-ડાઉન કરતા શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Sanandમાં AMTS કંડક્ટરની ગુંડાગીરી સામે લાલ આંખ, કંડક્ટર મોકૂફ, ઓપરેટરને રૂ.50 હજારનો દંડ!
