સુરતને પૂરથી બચાવવા મેગા પ્લાન, ધારાસભ્યોની માગ-બારડોલીનું પાણી નદી-દરિયામાં વાળો:મ્યુ કમિ.એ કહ્યું-આગામી 100 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડે તો પણ પૂર નહીં આવે તેવું આયોજન થશે

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં દર વર્ષે ચોમાસામાં સર્જાતી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા મેગા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું છે કે, એવું લાંબા ગાળાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેનાથી આગામી 100 વર્ષમાં કદાચ સૌથી વધુ વરસાદ ખાબકે તો પણ સુરતમાં પૂરની સ્થિતિ ઊભી ન થાય અને તેને રોકી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉપરવાસમાંથી આવતા પાણીને ડાયવર્ટ કરવા અને ખાડીઓને દબાણમુક્ત કરી તાત્કાલિક ડીસિલ્ટિંગ કરવા પર ભાર મૂકવામાં આવશે. તો બીજી તરફ ધારાસભ્યોની માગ છે કે, બારડોલીનું પાણી નદી અને દરિયામાં વાળો. ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ
પૂર નિવારણના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) અંગે ચર્ચા કરવા માટે આજે(23 સપ્ટેમ્બર) સુરત મહાનગરપાલિકાના મેયર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં પૂરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યો સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, ઉધનાના મનુ ફોગવા અને સુરત પૂર્વના અરવિંદ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મલ્ટીમીડિયા કંપની દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ધારાસભ્યોએ પોતાના મહત્વના સૂચનો આપ્યા હતા. ‘ખાડીઓમાંથી કાદવ કાઢો અને દબાણો હટાવો’:સંદીપ દેસાઈ
ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, બાડોલી અને ઉપરવાસમાં વરસાદ પડે તો પણ સુરતમાં ખાડી પૂર આવી જાય છે. આથી અમે માગ કરી છે કે આ પાણીને અધવચ્ચેથી જ ડાયવર્ટ કરી નદી કે દરિયામાં વાળવામાં આવે. આ ઉપરાંત, ખાડી વિસ્તારોમાં લાંબા સમયથી ખૂબ જ કાદવ (સિલ્ટિંગ) જમા થયેલો છે. આ કીચડ તાત્કાલિક કાઢવાની જરૂર છે જેથી ખાડીની વહન ક્ષમતામાં વધારો થાય. વળી, ખાડીની આજુબાજુ થયેલા દબાણો પણ હટાવવા પડશે તો જ આ સમસ્યા હલ થઈ શકશે. ‘ટૂંકાગાળાના ઉપાય તરીકે તાત્કાલિક ડીસિલ્ટિંગ કરાશે’
મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, પૂરની પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે સરકારે રચેલી ઉચ્ચ સ્તરીય કમિટી અને ટેકનિકલ કન્સલ્ટન્ટ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. પ્રેઝન્ટેશન દરમિયાન ધારાસભ્યોના સૂચનોને આધારે પ્રોજેક્ટમાં જરૂરી ફેરફારો કરાશે. ટૂંકાગાળાના ઉપાય તરીકે ખાડીમાં ડીસિલ્ટેશન (કાદવ કાઢવાની) અને એન્ક્રોચમેન્ટ (દબાણ) દૂર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરાશે. લાંબાગાળાના આયોજન માટે ઉપરવાસનું પાણી ડાયવર્ટ કરવાની શક્યતાઓ ચકાસાઈ રહી છે, જેથી આવનારા 100 વર્ષમાં મેક્સિમમ વરસાદ થાય તો પણ પૂર ન આવે. ખાડીઓને બોક્સિંગ (પેક) કરવાની કોઈ યોજના નથી
અગાઉ એવી ચર્ચાઓ ઊઠી હતી કે ખાડીઓને આરસીસી બોક્સિંગ કરીને કવર કરી દેવામાં આવશે. જોકે, કમિશનર બેનીવાલે આ બાબતે જણાવ્યું હતું કે, ખાડીઓને પેક કરવાની આ પ્રોજેક્ટમાં કોઈ જ જોગવાઈ નથી. જો ખાડીઓને પેક કરી દેવામાં આવે, તો ભવિષ્યમાં તેને સાફ કરવાની (ક્લીનિંગ) ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે અને અન્ય ટેકનિકલ પ્રશ્નો પણ સર્જાય છે. એટલે અત્યારે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં ખાડીને પેક કરવાની કોઈ કામગીરી લેવામાં આવી નથી. સર્વે અને અભ્યાસ પૂર્ણ, હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે
શહેરને પૂરથી બચાવવા માટે રાજ્યસ્તરેથી શરૂ કરાયેલા પ્રયાસો હવે માત્ર કાગળ પૂરતા સીમિત ન રહેતા અમલીકરણની દિશામાં આગળ વધ્યા છે. ખાડી પૂર નિવારણ માટે જરૂરી વિવિધ હાઇડ્રોગ્રાફી અભ્યાસ, ટેકનિકલ સર્વે અને મોડેલ રન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. સંબંધિત એજન્સીઓ દ્વારા આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ મનપા અને સિંચાઈ વિભાગને સોંપી દેવાયો છે. હવે આ રિપોર્ટના આધારે ટૂંકા અને લાંબા ગાળાના પ્રોજેક્ટને આખરી ઓપ આપીને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *