ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રાતિધાર ગીર ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં ઘરના ફળિયામાં ખાટલા પર આરામ કરી રહેલા 48 વર્ષીય પ્રવીણ બચુભાઈ સોલંકી નામના યુવાનની તેમના જ કૌટુંબિક કાકાએ કુહાડીના તીક્ષ્ણ ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરી નાખી છે. ગામમાં બનવા પામેલા આ હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.
રાતિધાર ગીરમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી
પ્રાથમિક તપાસમાં મળતી વિગતો અનુસાર, મૃતક પ્રવીણ સોલંકી અને તેમના કૌટુંબિક કાકા વચ્ચે લાંબા સમયથી પરિવારિક બાબતને લઈને જૂનો વિવાદ ચાલતો હતો. આ જૂના વિવાદ અને મનદુઃખના કારણે કાકાએ અંધાધૂંધ આવેશમાં આવીને તક જોઈ પોતાના જ ભત્રીજા પર કુહાડી વડે પરિવારજનોની નજર સામે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
તાલાલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ મથકનો કાફલો તાબડતોબ રાતિધાર ગીર ગામે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનો કબજો સંભાળી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. તાલાલા પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે અને ફરાર થઈ ગયેલા આરોપી કૌટુંબિક કાકાને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
