અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વટોળમાં ઘેરાઈ છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (VC) નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ સામે એનએસયુઆઈ (NSUI) દ્વારા ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. NSUIએ આક્ષેપ કર્યો છે કે વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા દ્વારા એક પછી એક અનેક નાણાકીય અને વહીવટી કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે, જેમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની પણ સીધી મિલીભગત જોવા મળી રહી છે.
ઓડિટમાં ખુલાસો: IDSRમાંથી લાખો રૂપિયાનો પગાર લીધાનો આરોપ
NSUI દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો મુજબ, તાજેતરમાં યુનિવર્સિટીના ઓડિટમાં મોટો પર્દાફાશ થયો છે. જેમાં વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ નિયમોની વિરુદ્ધ જઈને IDSR (ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝિગ્નેટેડ સેક્રેટરિયેટ રિસોર્સિસ)માંથી રૂ. 24.98 લાખ જેટલી માતબર રકમ પગાર પેટે મેળવી હતી. આ ઉપરાંત રજિસ્ટ્રાર પિયુષ પટેલે પણ આ જ સંસ્થામાંથી રૂ. 3.20 લાખનો ગેરકાયદેસર પગાર લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓડિટ રિપોર્ટના આધારે NSUIએ બંને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન
આ નાણાકીય અનિયમિતતાઓ અને કૌભાંડોના વિરોધમાં આક્રમક વલણ અપનાવીને NSUI દ્વારા આવતીકાલે સમગ્ર ‘ગુજરાત યુનિવર્સિટી બંધ’નું સત્તાવાર એલાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી પાંખનું કહેવું છે કે યુનિવર્સિટીની ગરિમા અને વિદ્યાર્થીઓના હિત સાથે ચેડાં કરનારા અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. NSUIના આ બંધના એલાનને પગલે યુનિવર્સિટી પરિસરમાં તંગદિલી ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat News : ગુજરાતમાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ, સુરત સહિત રાજ્યભરમાં કામકાજ ઠપ્પ!
