Netherlands Cricket Teamને મળ્યા નવા હેડ કોચ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરને સોંપાઈ જવાબદારી

📅 Published: September 23, 2026 | 📂 Category: cricket

નેધરલેન્ડ્સ ક્રિકેટ ટીમે પુરુષ ટીમ માટે નવા હેડ કોચની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર એશ્લે નોફ્કેને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. 49 વર્ષના નોફ્કે સાથે શરૂઆતમાં 2 વર્ષનો કરાર કરવામાં આવ્યો છે,જે 2028ના અંત સુધી રહેશે.નોફ્કે હવે રાયન કૂકનું સ્થાન લેશે.કૂકે પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે હેડ કોચનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો.

નોફ્કે સામે રહેશે 2 મોટા લક્ષ્ય

નવી જવાબદારી સંભાળ્યા બાદ નોફ્કે સામે બે મહત્વપૂર્ણ લક્ષ્ય રહેશે.નેધરલેન્ડ્સને 2027 ODI વર્લ્ડ કપ અને 2028 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરાવવાની દિશામાં ટીમને આગળ વધારવાની જવાબદારી તેમના પર રહેશે.નેધરલેન્ડ્સની ટીમ છેલ્લા કેટલાક સમયથી T20 વર્લ્ડ કપમાં નિયમિત રીતે જોવા મળી રહી છે. નોફ્કે હવે આ સતત હાજરીને આગળ વધારવાનો પ્રયાસ કરશે.

નોફ્કે પાસે શાનદાર ક્રિકેટ અનુભવ

એશ્લે નોફ્કેનો ખેલાડી અને કોચ તરીકેનો અનુભવ ઘણો મોટો છે. ખેલાડી તરીકે તેમણે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ક્વીન્સલેન્ડ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડની 4 કાઉન્ટી ટીમો માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી.આ ટીમોમાં ડરહામ,મિડલસેક્સ,ગ્લોસ્ટરશાયર અને વોર્સેસ્ટરશાયરનો સમાવેશ થાય છે. નોફ્કે 2008માં રમાયેલી IPLની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમનો પણ ભાગ હતા.તેમની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં નોફ્કેએ 3,766 રન અને 386 વિકેટ નોંધાવી હતી.એક સિઝનમાં 500 રન અને 50 વિકેટનો ડબલ હાંસલ કરનારા તેઓ માત્ર ત્રીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યા હતા.આ પ્રદર્શન બદલ તેમને સ્ટેટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સહિત અનેક ટીમો સાથે કોચ તરીકે કામ

કોચ તરીકે પણ નોફ્કેનો અનુભવ વ્યાપક છે. તેમણે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને એશિયામાં વિવિધ ટીમો સાથે કામ કર્યું છે.બ્રિસ્બેન હીટ સાથે તેમણે મહિલા બિગ બેશ લીગનો ખિતાબ જીત્યો હતો અને સતત 2 વખત કોચ ઓફ ધ યર તરીકે પસંદ થયા હતા. ક્વીન્સલેન્ડ ફાયર સાથે તેમણે WNCL ચેમ્પિયનશિપ પણ જીતી હતી.આ ઉપરાંત નોફ્કેએ લંડન સ્પિરિટને પ્રથમ વખત ધ હન્ડ્રેડનો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.2025માં તેઓ પાકિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમ સાથે પણ જોડાયા હતા. ત્યાં તેમણે આસિસ્ટન્ટ કોચ અને બોલિંગ લીડ તરીકે જવાબદારી સંભાળી હતી.

ખેલાડીઓ સાથે મજબૂત સંબંધ બનાવશે

નવી જવાબદારી અંગે નોફ્કેએ ટીમના ખેલાડીઓ સાથે મજબૂત સંબંધ બનાવવાને પોતાની પ્રાથમિકતા ગણાવી છે. તેમણે નેધરલેન્ડ્સની પુરુષ ટીમ સાથે કામ કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.તેમના જણાવ્યા અનુસાર ટીમમાં પ્રતિભાશાળી અને પ્રેરિત ખેલાડીઓનો સમૂહ છે અને તેમનો ઉદ્દેશ ખેલાડીઓના વિકાસને આગળ વધારવાનો તેમજ સમગ્ર ક્રિકેટ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવાનો રહેશે.

આ પણ વાંચો – Asian Games 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી ક્યારે રમશે, એક જ દિવસમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *