વડોદરા શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. આરોગ્ય અધિકારી પ્રશાંત ભાવસારની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરાના શાસ્ત્રી બ્રિજ નીચે આવેલી વિવિધ લારીઓ અને દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સઘન તપાસ દરમિયાન ખાધ પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી.
લાયસન્સ વગર ચાલતી બે દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાવાઈ
શાસ્ત્રી બ્રિજ નીચે કરવામાં આવેલી આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે કુલ ત્રણ મુખ્ય દુકાનો અને લારીઓની સઘન ચકાસણી કરી હતી. જેમાંથી બે દુકાનો કોઈપણ પ્રકારના વેપારી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ધમધમી રહી હોવાનું બહાર આવ્યું હતું. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાથી આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક પગલાં લઈને બંને દુકાનોને તુરંત અસરથી બંધ કરાવી દીધી હતી.

‘શ્રી રામેશ્વરમ ઇડલી’માં વ્યાપક અસ્વચ્છતા જણાતા દસ હજારનો દંડ
તપાસ દરમિયાન લોકપ્રિય ફૂડ આઉટલેટ ગણાતી શ્રી રામેશ્વરમ ઇડલીની દુકાનમાં ગંભીર અસ્વચ્છતા જોવા મળી હતી. ખાદ્ય પદાર્થોની બનાવટ અને સાચવણીમાં સ્વચ્છતાના નિયમોના ધજાગરા ઉડતા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી. સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ શ્રી રામેશ્વરમ ઇડલી સંચાલકોને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેનાથી ખાણીપીણીના વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Vadodara : ચાણસદ ખાતે લિમ્બચીયા વાળંદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન
