ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર પસાર થઈ રહેલી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને આ આગની ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે.ચાલતી બસમાં અચાનક આગ ફાટી નીકળવાને કારણે એક્સપ્રેસ વે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ડ્રાઇવરે બસને એક્સપ્રેસ વે પર રોકી દીધી
મોડી રાત્રે યમુના એક્સપ્રેસ વે પર દિલ્હીથી બિહાર જતી સ્લીપર બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી.આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે.જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.ઘણા મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાના જીવ બચાવ્યા હતા.રિપોર્ટ અનુસાર,આ બસ દિલ્હીથી મહોબા જઈ રહી હતી.આ બસ રાજ કલ્પના ટ્રાવેલ્સની છે.રાજ કલ્પના ટ્રાવેલ્સ યુપી, એમપી અને બિહાર માટે સર્વિસ આપે છે.આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર દયાનતપુર ગામ પાસે થઈ હતી.આગ લાગવાની માહિતી મળતા જ ડ્રાઇવરે બસને એક્સપ્રેસ વે પર રોકી દીધી હતી.
બસમાં આશરે 35 મુસાફરો સવાર હતા
જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં આશરે 35 મુસાફરો સવાર હતા.આગ લાગ્યા બાદ ભાગદોડ મચી ગઈ હતી અને બસની બારીમાંથી કૂદીને ઘણા લોકોએ પોતાના જીવ બચાવ્યા હતા.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રેજ્ટર નોઈડામાં ગત રાત્રે થયેલી બસ દુર્ઘટનાની નોંધ લીધી છે.મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા છે.મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી અને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.
આગ લાગ્યા બાદ બસમાં ધુમાડો ભરાઈ ગયો હતો
બસમાં મુસાફરી કરી રહેલા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે,જ્યારે હું સૂઈ ગયો હતો ત્યારે કોઈએ મને જગાડીને કહ્યું કે બસમાં આગ લાગી ગઈ છે અને અમે બધા બહાર નીકળવા માટે ઉતાવળમાં દોડ્યા હતાં.બસમાંથી બહાર નીકળવું સહેલું નહોતું ખૂબ જ ધુમાડો હતો.અમે કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા.બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત બસના તમામ કાગળો માન્ય મળ્યા છે.ગૌતમ બુદ્ધ નગર પોલીસ બસ ચાલકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
રાત્રે લગભગ 11 વાગ્યે ગૌતમ બુદ્ધ નગરના જેવર ટોલ પાસે શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી ગઈ હતી.ડ્રાઇવરે આગ લાગ્યા બાદ બસને એક્સપ્રેસ વેના કિનારે રોકી દીધી હતી.પરંતુ ભીષણ આગને કારણે બસમાં ભાગદોડ મચી ગઈ હતી.દુર્ઘટના સમયે કેટલાક મુસાફરો બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાપરંતુ કેટલાક મુસાફરોનું બસની અંદર દાઝી જવાથી મોત થઈ ગયું.ઘાયલોને નજીકની કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ બસમાં આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે.
